ધોળકા : ધોળકા તાલુકાના લાણા ગામથી શેરપુરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર ઠેરઠેર ગાબડા પડી ચુક્યા છે. અમુક સ્થળે રોડની બંને સાઇડ જંગલી બાવળીયા ઉગી નીકળ્યા છે. આથી ગ્રામજનો અને ખેડૂતો તથા ખાસ કરીને વાહન ચાલકોને પરાવાર તકલીફો વેઠવી પડી રહી છે. આ સમસ્યા લાંબા સમયથી છે. ધોળકાથી લાણા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર રેલ્વે ફાટકની અંદર તરફ ધોળકા તાલુકા પંચાયત, ધોળકા પોલીસ સ્ટેશન, ધોળકા તાલુકા સેવા સદન સહિતની વિવિધ ઓફિસો આવેલા છે. ત્યારે લાણા ગામ તથા તેના આગળના ગામડાઓ તથા કોઠ-બગોદરા તરફ જે સરકારી અધિકારીઓને જવાનું હોય તો સોર્ટકર્ટ માર્ગ ધોળકાથી લાણા, લાણાથી ખાનપુર હાઈવે થઇ આગળ કોઠ-બગોદરા તરફ સરકારી કે ખાનગી વાહનો લઇ આવતા જતા હોય છે. ત્યારે આ ગાબડાના કારણે કોઇ અકસ્માત સર્જાય તે પહેલા ગાબડા પુરવામાં આવે તેવી વાહનચાલકો અને અપડાઉન કરતા નોકરીયાતોમાં માંગ ઉઠી છે.