Rajkot news : રાજકોટના કોર્પોરેટર તેમજ ધારાસભ્યનો બેવડો હોદ્દો ધરાવતા ભાનુબેન બાબરીયા રાજ્ય સરકારમાં સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી છે પરંતુ તેમના મતક્ષેત્રમાં જ લોકોને અન્યાયનો અહેસાસ થઈ રહ્યો છે. કસ્તુરબાધામ તરીકે જાણીતા રાજકોટ નજીકના ત્રંબા ગામમાં આજે ‘ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ગૂમ થયેલ છે’ તેવા બેનર સાથે ગ્રામજનોએ રસ્તા ઉપર ઉતરીને રોષ વ્યક્ત કર્યો હતો.
ત્રંબામાં ઐતહાસિક ત્રિવેણી સંગમ એક ઐતહાસિક સ્થળ છે અને તેનો વિકાસ કરવાની વાતો અનેકવાર થઈ છે પરંતુ, ત્યાં આવેલો બેઠો પૂલ જર્જરિત થઈ ગયો છે જે અંગે આ ધારાસભ્ય સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં અને તાજેતરમાં અનેક બ્રિજના રિપેરિંગની ઝૂંબેશો છતાં કામ નહીં થતા લોકોએ મદિરમાં દર્શન કરવા જવાનું પણ જોખમી બન્યું છે. આવા પ્રશ્નોને લઈને લોકોએ રોષપૂર્વક ભાનુબેન બાબરીયા ગૂમ થયેલ છે અને શોધી આપનારને ઈનામ એવા કટાક્ષ સાથે રોષ વ્યક્ત કર્યો હતો.
ભાનુબેનને મંત્રી હોવાની સાથે વોર્ડ નં.1ના કોર્પોરેટર છે અને આ વોર્ડમાં ભંગાર રસ્તા,ગંદકી સહિત અનેક પ્રશ્નો છાશવારે લોકો ઉઠાવતા રહ્યા છે પરંતુ, કોર્પોરેટર તરીકે આ મંત્રી મનપામાં બોર્ડમાં માત્ર ગેરલાયક ન ઠરે એટલા પૂરતી ત્રણ સામાન્ય સભા પૈકી એકમાં હાજર રહે છે અને બાકીની સભામાં તો મોટાભાગે રજા રિપોર્ટ પણ મુકતા નથી તેમજ મનપામાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ઉઠાવતા નથી અને લોકોના પ્રશ્નો હલ કરવા કાર્યાલય નહીં ખોલ્યાની પણ લાંબા સમયથી ફરિયાદો થતી રહે છે. આમ, રાજકોટને સરકારની કેબિનેટમાં સ્થાન તો મળ્યું પણ લાભ શુ મળ્યો તે સવાલો થવા લાગ્યા છે.