Bulldozer Action BJP leaders Brother Suicide: ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરની બજાર સમિતિમાં ચાલી રહેલા અતિક્રમણ હટાવો ઝુંબેશે ભાજપ નેતાના પરિવારનું જીવન વિરવિખેર કરી નાખ્યું છે. બજારમાં આવેલી દુકાન પર બુલડોઝર ફેરવી દેતાં ભાજપ મંડળ મંત્રી બ્રિજેન્દ્ર સૈનીના ભાઈએ ધાબા પરથી કૂદીની આપઘાત કરી લીધો હતો. મંગળવારે પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના જ બજારમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં બ્રિજેન્દ્રસિંહની દુકાન પણ ભોગ બનતાં તેમના ભાઈ ચેતન સૈનીએ આપઘાત કર્યો હતો.
વહીવટીતંત્રે તેમને દુકાનમાંથી સામાન હટાવી લેવાનો પણ સમય ન આપતાં લાખો રૂપિયાનો સામાન બરબાદ થઈ ગયો હતો. જેથી ચેતન સૈની માનસિક રૂપે તૂટી ગયો હતો, અને મોડી રાત્રે ધાબા પરથી કૂદી આપઘાત કર્યો હતો. આ સમગ્ર આપવીતિ વિશે બ્રિજેન્દ્ર સૈનીએ રડતાં રડતાં ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકને જણાવ્યું હતું.
બસ પાંચ મિનિટનો સમય માગ્યો હતો…
બ્રિજેન્દ્ર સૈનીએ ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકને રડતાં રડતાં પોતાની આપવીતિ જણાવી છે કે, આ લોકોએ અમારી દુકાન તોડી દીધી, અમે હાથ-પગ જોડતા રહ્યા કે, બસ પાંચ મિનિટનો સમય આપો. અમે સામાન હટાવી લઈએ. પણ તેમણે સાંભળ્યું નહીં. આ લોકોએ લાખો રૂપિયા બરબાદ કરી દીધા. દુકાન તૂટ્યા બાદ મારો ભાઈ તણાવમાં આવી ગયો અને તેણે મોડી રાત્રે ધાબા પરથી કૂદીના આપઘાત કરી લીધો. બુલડોઝર ચલાવતા પહેલાં તેમણે કોઈ નોટિસ પણ પાઠવી ન હતી.
આ પણ વાંચોઃ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
ડેપ્યુટી સીએમએ આપ્યું આશ્વાસન
ડેપ્યુટી સીએમએ આ અંગે આશ્વાસન આપ્યું કે, ભાજપના સ્થાનિક નેતાઓએ મને આ કાર્યવાહી વિશે જણાવ્યું છે, સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરાશે. તેમજ દોષિત અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે. આ દુઃખની પળમાં સરકાર પીડિત પરિવાર સાથે છે. ઉલ્લેખનીય છે, ડેપ્યુટી સીએમ ભાજપ મંડળના મંત્રીના ઘરે સાંત્વના પાઠવવા આવ્યા હતા.
સચિવના ઘરે મારપીટથી મામલો બિચક્યો
ગત સોમવારે બજાર સમિતિમાં કથિત અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ થઈ હતી. તે દરમિયાન અમુક લોકોએ બજાર સમિતિના સચિવ સંજીવ કુમારના કાર્યાલયમાં ઘૂસીને તોડફોડ અને મારપીટ કરી હતી. સીસીટીવી કેમેરા પણ તોડી દીધા હતા. સચિવે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરતાં વહીવટીતંત્રે બજારમાં મોટાપાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં સૈનીની દુકાન પણ તોડી પાડવામાં આવી. આપઘાત કરતાં પહેલાં ચેતન સૈનીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી હતી કે, મુરાદાબાદ બજારની અંદર વહીવટીતંત્રનું આક્રમણ, બધુ જ બરબાદ કરી દીધું. ભગવાનની દુઆથી માલ-સામાન વરસાદમાં પલળી ગયો. વહીવટીતંત્ર મજા લઈ રહ્યા હતા. હવે જણાવો, આ નુકસાન માટે કોણ જવાબદાર.