Surat Corporation : સુરત પાલિકાના દસ હજાર કરોડથી વધુના બજેટ માટે આજે સામાન્ય સભા શરૂ થઈ હતી. બે દિવસ માટેની આ સામાન્ય સભામાં બજેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ બજેટ દરમિયાન શાસકોએ પોતાની પીઠ થાબડી વિપક્ષે શાસકોની નિષ્ફળતા ઉજાગર કરી હતી. બજેટની ચર્ચા પહેલાં જ મેયરે અધ્યક્ષ સ્થાનેથી કેન્દ્ર સરકારના “એક રાષ્ટ્ર એક ચૂંટણી” ના ખરડાને સમર્થન આપતી દરખાસ્ત મૂકી હતી. જોકે વિપક્ષ દ્વારા આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો.બહુમતી થી આ દરખાસ્ત મંજૂર કરી રાષ્ટ્રપતિને મોકલી આપવા ઠરાવ્યું હતું.
મિશન શહેર હિતનું બજેટ છે : રાજન પટેલ
આ ખાસ સામાન્ય સભામાં બજેટ રજુ કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે આ બજેટ મિશન શહેર હિતનું બજેટ ગણાવ્યું હતું. સુરત પાલિકાની શરુઆતથી હાલ 51માં સ્થાયી સમિતિ અધ્યક્ષે 59મું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે 2025-26નું મનપાનું બજેટ 10 હજાર કરોડને પાર કરી ગયુ છે. જેનાથી પ્રતીત થાય છે કે છેલ્લા વર્ષોમાં સુરત શહેર વિકાસની હરણફાળ ભરી છે. પાલિકાની આવકના સ્ત્રોત ઓછા છે તેમાં પણ પાલિકાએ 49 કેપીટલ ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે રજુ કરેલા બજેટમાં 84 ટકા કામ પુરા થયાં છે અને હાલ ડ્રાફ્ટ બજેટમાં 401 કરોડનો વધારો કરવામા આવ્યો છે તેમાં પણ મોટા ભાગના કામ પુરા થશે તેવો દાવો કરવામા આવ્યો હતો. રહેણાંક સોસાયટીને અપાતા સફાઈ અનુદાનમાં વધારો કરો : રમીલા પટેલ
ભાજપના કોર્પોરેટર રમીલા પટેલે કહ્યું હતું કે , ભાજપના શાસન પહેલા શહેરના રસ્તા જર્જરિત હતા. સુરત શહેરને ગંદા અને ગોબરા શહેરથી ઓળખાતું હતું હવે સફાઈમાં સુરત નંબર વન છે. આ સફાઈની કામગીરી માટે રહેણાંક સોસાયટીઓને અનુદાન આપવામાં આવે છે આ અનુદાન હાલમાં માંડ ત્રણથી ચાર હજાર આપવામાં આવે છે જે હાલની મોંઘવારી સામે ઘણું ઓછું છે તેથી આ અનુદાન વધારવામાં આવે તે જરુરી છે અને આ લોકોની લાગણી છે તે કહીને અનાદન વધારવા માટે મેયરને રજુઆત કરી હતી.
પંચનિષ્ઠાના સિદ્ધાંતને સાર્થક કર્યું બજેટ : હેમાલી બોધાવાળા
પૂર્વે મેયર હેમાલી બોધવાલાએ બજેટની ચર્ચામાં કહ્યું હતું સુરતની પ્રજા પ્રત્યે પંચનિષ્ઠાના સિદ્ધાંતને સાકાર કરતું બજેટ છે. આ બજેટમાં સ્વાસ્થ્ય, શિક્ષણ,માળખાગત સુવિધા, સામાજિક સુરક્ષા, અને પર્યાવરણ માટેના કામો સમાવાયા છે. આ ઉપરાંત તેમણે ભાજપ શાસનમાં થયેલા શિક્ષણ, આરોગ્ય, વિકાસ કામ નો ચિતાર આપ્યો હતો તેમજ આગામી વર્ષે સુરત મહાનગરપાલિકાનું 75મું વર્ષ હોય હીરક મહોત્સવ ઉજવવા સૂચન કર્યું હતું. તેમજ સુરતથી ડુમસ સુધી ખુલ્લી રૂફ ટોપ બસ ચાલુ કરવા રજૂઆત કરી હતી.
બજેટ સુરત શહેરની સધ્ધરતાનો પુરાવો છે : દિપન દેસાઈ
ભાજપના દિપન દેસાઈએ જણાવ્યું હતું કે, 1004 કરોડનું બજેટ બતાવે છે કે શહેરની પ્રગતિના પંથે લઈ જનાર બજેટ છે. કર દર વિનાનું બજેટ તે જમા પાસુ છે, 476 કરોડ સર પ્લસ છે તે શાસકોની સુજ બુજની નિશાની છે તે શહેરની સધ્ધરતા નો પુરાવો છે. 4900 કરોડના કેપીટલ કામો છે તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અને સ્વભંડોળમાંથી ખર્ચ કરવામાં આવશે જે ત્રીપલ એન્જિન સરકારનો ફાયદો છે. વોલ સીટીમાં વધુ આયોજન શક્ય નથી પરંતુ સીસી રોડ બનાવવાનું કામ શરૂ થયું છે તેનાથી કોટ વિસ્તારને ફાયદો થઈ રહ્યો છે.