Shravan 2025 : શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવભક્તિનો માહોલ ચરમસીમાએ છે, અને તેની સીધી અસર ફૂલ બજાર પર જોવા મળી રહી છે. જેમાં વડોદરા શહેરના તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડતાં ફૂલોની માંગમાં 100%નો જબરદસ્ત વધારો નોંધાયો છે. પરિણામે ફૂલોના ભાવ પણ બે ગણા થઈ ગયા છે અને રસ્તાઓ પર રૂ.30માં મળતો ફૂલનો હાર હવે રૂ.70થી રૂ.80માં વેચાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રથી આવે છે રોજ 30,000 કિલોથી વધુ ફૂલ
ફૂલ બજારના હોલસેલ વેપારીઓના જણાવ્યા અનુસાર, ગુલાબ સિવાયના મોટાભાગના ફૂલો હાલ મહારાષ્ટ્રના વિવિધ ગામોમાંથી આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં મહારાષ્ટ્રથી ફૂલનો જથ્થો લઈને સરેરાશ 8થી 10 પિકઅપ વાન વડોદરા આવે છે, પરંતુ શ્રાવણ માસના કારણે આ આંકડો વધીને રોજ 18થી 20 પિકઅપ વાન પર પહોંચી ગયો છે. આ વાહનોમાં આવતા ફૂલનું કુલ વજન 30 હજાર કિલોગ્રામથી પણ વધુ થાય છે. મુખ્યત્ત્વે પીળા અને કેસરી ગલગોટા તેમજ વ્હાઇટ સેવંતી મહારાષ્ટ્રથી આવે છે. જ્યારે ગુલાબ, મોગરો, જુઈ અને લીલી જેવા ફૂલો વડોદરા આસપાસના સ્થાનિક ગામડાઓમાંથી આવે છે.
શિવભક્તિ અને તહેવારોની મોસમ: ફૂલોની માંગ વધવાના કારણો
શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શિવના દર્શનાર્થે મંદિરોમાં જાય છે. આ ઉપરાંત, મહિનામાં આવતા તહેવારોમાં પણ મહિલાઓ દ્વારા થતી પૂજા-વિધિમાં ફૂલોનો વ્યાપક ઉપયોગ કરાય છે. મંદિરોમાં શિવલિંગ પર ફૂલ અને હાર ચઢાવવાથી માંડીને ઘરમાં થતી પૂજા માટે પણ ફૂલોની જરૂર પડતી હોવાથી તેની માંગમાં અનેકગણો વધારો થયો છે. એક પિકઅપ વાનમાં લગભગ 1500 કિલોગ્રામ ફૂલ સમાય છે, જે દર્શાવે છે કે આ સમયગાળામાં ફૂલોનો કેટલો વિશાળ જથ્થો વડોદરા આવી રહ્યો છે. વડોદરા આસપાસના નારેશ્વર, ઇંટાલા, બામણગામ, મોટીકોરલ, પાદરા અને કરજણ જેવા વિસ્તારોમાંથી ગુલાબનો મોટો જથ્થો આવે છે.
ભાવમાં બેફામ વધારો: મોગરો અને જુઈ રૂ.1 હજારને પાર!
ફૂલોની માગ ડબલ થતાં તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. હોલસેલ વેપારીઓ વજન પર ફૂલનું વેચાણ કરે છે અને નાના વેપારીઓ તેમાંથી હાર બનાવી કે છૂટકમાં વેચીને નફો રળે છે. શ્રાવણ માસમાં ખાસ કરીને સોમવાર અને શનિવારે ફૂલોની માંગ સૌથી વધુ રહે છે.
મોગરા અને જુઈ જેવા સુગંધિત ફૂલોના ભાવ તો રૂ.1000 અને રૂ.1200 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે, જે સામાન્ય દિવસો કરતાં ત્રણથી ચાર ગણા વધારે છે.
આ પણ વાંચો: સુરતમાં તાપી નદીના કિનારે શીતળા સાતમની ઉજવણી, 5Gના યુગમાં પણ શ્રદ્ધા અને પરંપરા અકબંધ
વડોદરા: મધ્ય ગુજરાતનું ફૂલ બજારનું કેન્દ્ર
વડોદરા માત્ર સ્થાનિક માગને જ નહીં, પરંતુ સમગ્ર મધ્ય ગુજરાતમાં ફૂલોનો સપ્લાય કરે છે. રોજ સવારે ચાર વાગ્યાથી જ ફૂલો ભરેલા ટેમ્પા આવવા માંડે છે અને નડિયાદ, આણંદ, પાવાગઢ, દાહોદ, ગોધરા, રાજપીપળા અને ભરુચ જેવા ત્રણથી ચાર જિલ્લાના વેપારીઓ અહીં ફૂલોની ખરીદી કરવા આવે છે. ફૂલોની ખેતી કરતાં ખેડૂતો પણ સવારે થેલા ભરીને પોતાના ફૂલો વેચવા આવે છે. આ તમામ પ્રવૃત્તિને કારણે વડોદરાના ફૂલ બજારમાં રોજ રૂ.30થી રૂ.40 લાખનો કારોબાર થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ, શ્રાવણ માસ વડોદરાના ફૂલ વેપારીઓ માટે સમૃદ્ધિ લઈને આવ્યો છે.