Kutch News: કચ્છના બિદડા ગામની ત્રણ મહિલાએ ધોકા વડે એક આધેડને ધોઈ નાખ્યો હતો. આ આધેડના પુત્ર રાજેશ સંઘાર સાથે પુત્રી ભાગી જતાં તેનો આક્રોશ પરિવારની ત્રણ મહિલાએ હુમલો કર્યો હતો. જેમાં આધેડના બંને હાથ અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયાં હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, બિદડા ગામમાં પરિવારની મરજી વિરુધ્ધ પુત્રી પ્રેમલગ્નના હેતુથી ગામના યુવક જોડે ભાગી જતાં તેનો આક્રોશ પરિવારની ત્રણ મહિલાએ રાજેશના 75 વર્ષયી પિતા લધા સંઘાર પર ઉતાર્યો છે. ત્રણે મહિલાએ લધાભાઈને ઘેરીને ધોકા વડે ઢોર માર માર્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં લધાભાઈના અન્ય બે પુત્રો સ્થળ પર દોડી આવ્યાં હતા. એમ્બ્યુલન્સ મારફત પિતાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યાં હતાં. આ હુમલામાં લધાભાઈના બંને હાથ અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયાં છે.
આ બનાવ અંગે કોડાય પોલીસે લધાભાઈના સૌથી મોટા પુત્ર દિનેશે આપેલી ફરિયાદના આધારે હુમલો કરનાર રાજબાઈ સાકરિયા, જાનબાઈ બુધિયા અને સોનબાઈ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસના જણાવ્યાનુસાર, ત્રણેને કારમાં લઈને રાજબાઈનો ભત્રીજો વિશાલ આવ્યો હોવાનું તપાસમાં ખૂલતાં તેને આરોપી બનાવ્યો છે. ચારે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.