વડોદરાઃ વડોદરાના એક ટ્રેડરને ડામરનો મોટો જથ્થો દુબઇથી મંગાવવાના નામે ૮૫ લાખની છેતરપિંડી કરનાર જુદીજુદી ત્રણ કંપનીના ચાર ડિરેક્ટરો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.
ઇલોરાપાર્કની અજન્ટા સોસાયટીમાં રહેતા અને રણોલીમાં ઓફિસ ધરાવતા હરદીપસિંહ નવઘણસિંહ ચુડાસમાએ પોલીસને કહ્યું છે કે,એપ્રિલ-૨૦૨૪માં દુબઇથી ડામરનો મોટો જથ્થો મંગાવવા માટે દેવનંદન ઇન્ડસ્ટ્રિઝ અને વેદાંત એનર્જીના ડિરેક્ટરોએ અમારી ઓફિસમાં મીટિંગ કરતાં ૧૫૦૦ ટન ડામર મંગાવવા(૪.૨૫ કરોડ રૃપિયા) ઓર્ડર આપ્યો હતો.
ટ્રેડરે કહ્યું છે કે,તેમણે દુબઇની રાજસી ઓઇલ પ્રોડક્ટસના માલિક દિનેશ મિશ્રા સાથે વાત પણ કરાવી હતી અને એડવાન્સ પેટે રૃ.૯૦ લાખ લીધા હતા.ડામરનો જથ્થો કંડલા પોર્ટ પર મે-૨૦૨૪માં આવી જશે તેમ કહેવાયું હતું અને જો જથ્થો નહિ આવે તો ૯૦ લાખના વળતા ચેક પણ આપ્યા હતા.પરંતુ ડામરનો જથ્થો મળ્યો નથી અને માત્ર રૃ.૫લાખ જ પરત આપ્યા છે.તેમના ચેક પણ રીટર્ન થયાછે.
જેથી ક્રાઇમ બ્રાન્ચે દેવકીનંદન ઇન્ડસ્ટ્રિઝ ના ડિરેક્ટર પંકજ નાગજીભાઇ પટેલ અને અમિષા પંકજભાઇ (શ્રીજી આર્કેડ,ટાટા રોડ, ઓપેરા હાઉસ,મુંબઇ),દિનેશ જયપ્રકાશ મિશ્રા(દેરા,દુબઇ) અને વેદાંત એનર્જી ઇન્ડિયા પ્રા.લિ.(પરસોત્તમ નગર સો.,ચાણક્યપુરી, અમદાવાદ)ના ડિરેક્ટર દિવ્યાંગ ભીખાભાઇ પટેલ સામે ગુનો નોંધ્યો છે.