વડોદરા,સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા મ્યુનિ.કોર્પોરેશન સાથે જોડાયેલા શહેરો સુરેન્દ્રનગર કોર્પોરેશન તથા સાવલી, શિહોર, જામરાવલ અને લીંબડી નગરપાલિકા વચ્ચે આજરોજ એમઓયુ કરાયા હતા.
સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪માં રાજ્યમાં ટોપ પરફોર્મન્સ બતાવનાર કોર્પોરેશનો અને નગરપાલિકાઓ (મેન્ટર સિટીઝ) અને નબળું પરફોર્મન્સ દાખલવનાર કોર્પોરેશન અને નગરપાલિકાઓ (મેન્ટી સિટીઝ) તરીકે વિભાજિત કરાઇ છે.
સ્વચ્છ શહેર જોડી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પરસ્પર સહકાર દ્વારા સ્વચ્છતા સંબંધિત સેવાઓમાં સુધારો લાવવાનું છે. આ પહેલ હેઠળ ૧૦૦ દિવસના સમયમાં શહેરો વચ્ચે સહયોગ દ્વારા ચોખ્ખાઇ, કચરો કેવી રીતે અલગ કરવો, કચરાનું પરિવહન, ઘનકચરાનું પ્રોસેસિંગ, સ્વચ્છતા, વપરાયેલા પાણીનું સંચાલન, ગટર સફાઇનું મશીનીકરણ, લોકોમાં સફાઇ માટે જનજાગૃતિ લાવવી, નાગરિકોનો સહયોગ વગેરે મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સ્વચ્છ જોડી અંતગર્ત મેન્ટર શહેરની મુખ્ય જવાબદારી મેન્ટી શહેરને સર્વાંગી સહયોગ આપવાનો રહેશે. જેમાં સ્વચ્છતા સંદર્ભે તમામ ટેકનિકલ અને પ્રોક્યોરમેન્ટ સહયોગ આપશે, અને મેન્ટી શહેરોની સ્વચ્છતાને વધુ અસરકારક કરાશે. મ્યુનિ.કમિશનર અરૃણ મહેશ બાબુ, કોર્પો.ના હોદ્દેદારો તથા બીજી પાલિકાના હોદ્દેદારોની હાજરીમાં એમઓયુ કરાયા હતા.