મેંદરડાનું દાત્રાણા રાષ્ટ્રપિતાનું મોસાળ છે : શ્રાવણ મહિનામાં મંદિર પરિસરમાં વિતક કથા મહોત્સવનો લાભ લેતા ભાવિકો
મેંદરડા, : મેંદરડા પંથકમાં રાષ્ટ્રપિતાનાં મોસાળ ગામ દાત્રાણા ખાતે શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ માસ દરમ્યાન વિતક કથા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાનું દાત્રાણા ગામ ઇતિહાસનાં પાને નોંધાયેલું છે. કેમકે, આ નાનકડું ગામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું મોસાળ છે. તેમના પરિવારજનો નિજાનંદ સંપ્રદાયના શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયીઓ હતા. પૂજ્ય ગાંધીબાપુ નાનપણમાં માતા પુતળીબાઈ સાથે ગામમાં આવેલા પ્રણામી મંદિરે રોજ દર્શન કરવા આવતા.
વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ માસમાં વિતક કથાનું આયોજન કરાયું છે. તા. 27ના કથાનો પ્રારંભ થયો છે અને તા.૨ના પૂર્ણાહુતિ થશે. રાજકોટના ધર્મ પ્રચારક ભાવિકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. મેંદરડા ઉપરાંત ખડીયા, નાગલપુર, આણંદપુર, ખીમપાદર સહિતના ગામના લોકો લાભ લઇ રહ્યા છે. મેંદરડાના પૂર્વ ધારાસભ્યના સમયમાં જૂના મંદિરનો જિર્ણોદ્ધાર કરાતા હાલ નવા શિખરબંધ મંદિરનું નિર્માણ થયું છે.