– બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામમાં
– વડોદરામાં રહેતા શિક્ષકને પુત્રીના જીયાણામાં મળેલી સોનાની ગાડીની પ્રતિકૃતિ પીપમાંથી ચોરો ઉઠાવી ગયા
બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે શિવ મંદિર અને શિક્ષક દંપતીના બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીની વસ્તુઓ સહિત કુલ રૂ.૩.૯૦ લાખની મત્તાની ચોરી થઇ હતી. હાલ વડોદરામાં રહેતા ભાડોલ ખુર્દ પ્રાથમિક શાળાના શિક્ષકે ફરિયાદ નોંધાવી હતી.
દોલતપોરડા ગામના રહેવાસી અને હાલ વડોદરામાં વાઘોડિયા રોડ પર રહેતા સુનિલ સોમાભાઇ પટેલે બાલાસિનોર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૯ના રોજ રક્ષાબંધન હોવાથી શિક્ષિકા પત્ની હેમાબેન અને પુત્રી વ્યોમિકા સાથે દોલતપોરડાના ઘરે આવી બીજા દિવસે મકાનને તાળુ મારીને પરત જતા રહ્યા હતા. ગઇકાલે ગામના વોટ્સએપ ગૃપમાં મેસેજ આવ્યો હતો કે, શિવ મંદિરમાં ચોરી થઇ છે અને નજીકમાંથી તૂટેલું તાળુ મળી આવ્યું છે.
આ તાળુ મારા ઘરનું હોવાથી મેં મારા ભાઇને ઘરે તપાસ કરવા મોકલતા ઘરનું તાળુ ગાયબ હતું અને દરવાજાનો નકૂચો તૂટેલો તથા અંદરનો સામાન વેર-વિખેર હતો. બાદમાં હું ગામમાં આવી ગયો હતો અને તપાસ કરતા ઘરમાં અનાજ ભરવાના પીપમાં મૂકેલી તેમની પુત્રીને જીયાણામાં ભેટ તરીકે મળેલી ૬૦ ગ્રામ વજનની સોનાની ગાડીની પ્રતિકૃતિ તથા પ્લાસ્ટિકની બેગમાં રાખેલી દીકરીની સોનાની કાનની બુટ્ટી અને ૮ હજાર રોકડ રકમની ચોરી થઇ હોવાનું જણાયું હતું. ઘરથી થોડે દૂર આવેલા શિવ મંદિરનું પણ તાળુ તોડીને શિવલીંગ પર ચડાવેલું ચાંદીનું ૩૦૦ ગ્રામ વજનનું છત્ર તથા મંદિરની દાનપેટી ચોરી થઇ ગઇ હતી.