અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત નીપજતા ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ બિહારનો વતની 17 વર્ષીય અનીશકુમાર સુનિલ તાતી છેલ્લા ત્રણ મહિનાથી અંકલેશ્વરના અંદાડા ખાતે નરનારાયણ સોસાયટીમાં ફોઈના ઘરે રહેતો હતો. ગઈકાલે શનિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ અનીશ છાપરા પાટીયા ખાતેથી મોપેડ લઈ ઘરે જમવા માટે નીકળ્યો હતો. તે સમયે છાપરા પાટીયાથી વાગીવાડા રોડ તરફ હરિકૃપા સોસાયટી પાસે ટ્રેલરની અડફેટે તેને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે અનીશને મૃત જાહેર કર્યો હતો. જાણવા મળ્યું હતું કે, સામેથી પૂરઝડપે આવી રહેલ એક ટ્રેલરના ચાલકે મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ટ્રક નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી