દહેગામમાં પણ વ્યાજખોરોનો આતંક
દહેગામમાં રહેતા સોનીને વ્યાજખોરો દ્વારા ધમકી આપવામાં આવતા આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે ત્યારે
દહેગામ શહેરમાં રહેતા સોની પણ વ્યાજખરોના આતંકનો ભોગ બન્યા છે. ૨ લાખની સામે ૧૩
લાખ રૃપિયા ચૂકવી દેવા છતાં ૨.૭૫ લાખ બાકી કાઢીને વ્યાજખોરો દ્વારા ધમકી આપવામાં
આવતા આખરે દહેગામ પોલીસ મથકમાં બે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઊંચા વ્યાજે રૃપિયા
આપીને લોકોનું આથક શોષણ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. આ પ્રકારના વ્યાજખોરોના
ત્રાસના કારણે લોકો જીવન પણ ટૂંકાવી રહ્યા છે ત્યારે આ વખતે દહેગામમાં નહેરુ ચોકડી
પાસે આવેલી લબધી સોસાયટીમાં રહેતા અને
સોની કામ કરતા ઈશાન જયેશભાઈ સોની વ્યાજખોરોનો ભોગ બન્યા છે. આ ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઈશાનને ધંધા માટે રૃપિયાની જરૃરિયાત ઊભી થતા બે
વર્ષ પહેલા દહેગામના મારુતિ શાહી કુટીર બંગલોઝ ખાતે રહેતા વિજય માલજીભાઈ દેસાઈ અને
લવાડ ગામના કલ્પેશ દેસાઈનો સંપર્ક કર્યો હતો. જોકે તેમણે ઉછીના નહીં પરંતુ વ્યાજે
રૃપિયા આપવાની વાત કરી હતી અને બે લાખ રૃપિયા પાંચ ટકા વ્યાજે આપ્યા હતા. જોકે
થોડા સમય બાદ આ વ્યાજખોરોએ માસિક ૧૦ ટકા વ્યાજ વસૂલવાનું શરૃ કરી દીધું હતું. જેથી
તેમણે વધુ વ્યાજ આપવાની ના પાડતા વિજય દેસાઈએ કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી અને બે કોરા ચેકમાં સહીઓ લઈ લીધી હતી. અત્યાર સુધીમાં ઈશાને બે લાખ રૃપિયાની
સામે ૧૩ લાખ ચૂકવી દીધા હોવા છતાં આ વ્યાજખોરો દ્વારા ૨.૭૫ લાખ રૃપિયાની બાકી
ઉઘરાણી કાઢવામાં આવી છે અને યુવાન અને તેના ભાઈને ફોન કરીને ધમકીઓ આપવામાં આવી રહી
છે. જેથી કંટાળીને તેણે દહેગામ પોલીસ મથકમાં આ બે વ્યાજખોરો સામે ફરિયાદ આપતા
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.