સમા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે બરોડા બેડમિન્ટન એસોશિએશન દ્વારા તા.19થી 27 જુલાઈ દરમ્યાન યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે.
આ સ્પર્ધા વિવિધ વય જૂથમાં યોજાશે. અંડર 11, 13, 15, 17, 19 અને ઓપન વિભાગ મળીને કુલ 28 ઈવન્ટ્સમાં સિંગલ્સ, ડબલ્સ અને મીક્ષ ડબલ્સમાં કુલ 1291 એન્ટ્રી આવી છે. આ સ્પર્ધા માટે કુલ 864 ખેલાડીઓએ ભાગ લીધો હોય 569 ભાઈઓ અને 295 બહેનોનો સમાવેશ થાય છે. આ અંગે આયોજિત પત્રકાર પરિષદમાં જયેશ ભાલાવાલા (એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર)નું કહેવું હતું કે, અમદાવાદ, સુરત ,વડોદરા, રાજકોટ, નવસારી ભરૂચ, સહિતના જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે. અહીં બેડમિન્ટનની 12 કોર્ટ હોય એક જ સ્થળે તમામ મેચ રમાશે. જયારે દારા સુરતી (એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર)એ ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ અને સિલ્વર મેડલ હાંસિલ કર્યા છે. તેમનું કહેવું હતું કે, ક્રિકેટ બાદ બેડમિન્ટનમાં લોકો રસ દાખવી રહ્યા છે. કેટલાક ખેલાડીઓ માટે શટલકોકના ભાવ અને એન્ટ્રી ફી પડકારજનક બને છે. તેમજ રાકેશ રસાણીયા (સેક્રેટરી)એ વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પર્ધામાં વિજેતાઓને સર્ટિફિકેટ , ટ્રોફી ઉપરાંત કુલ રૂ. 9 લાખના રોકડ પુરસ્કાર એનાયત કરાશે. અને ગુજરાત રાજયની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે.