Voter ID Card: બિહારમાં આરજેડી નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પાસે બે ચૂંટણી કાર્ડ હોવાનું બહાર આવતાં વિવાદ ઊભો થયો છે. પહેલાં તો તેમણે દાવો કર્યો હતો કે તેમનું નામ મતદાર યાદીમાં નથી, પછી ચૂંટણી પંચે તેમના એપિક નંબર સાથે તેમનું નામ મતદાર યાદીમાં બતાવ્યું. આ પછી, ચૂંટણી પંચે ખુદ તેજસ્વી યાદવ પર સવાલ ઉઠાવ્યો કે તેમની પાસે બે ચૂંટણી કાર્ડ કઈ રીતે આવ્યા. આયોગે તરત જ આ મામલે તેમની પાસેથી ખુલાસો પણ માંગ્યો છે. હવે જો એ સાબિત થાય કે તેજસ્વી યાદવ પાસે ખરેખર બે ચૂંટણી કાર્ડ છે અને તેમણે એક કાર્ડ રદ કરાવ્યું નથી, તો તેમની સામે ગુનાહિત કાર્યવાહી થઈ શકે છે.
ઘણા લોકો પાસે હોઈ શકે છે બે ચૂંટણી કાર્ડ
ભારતમાં કેટલા લોકો પાસે બે ચૂંટણી કાર્ડ છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ચૂંટણી પંચ, એડીઆર (ADR) અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતમાં લાખો મતદારો એવા હોઈ શકે છે જેમની પાસે બે ચૂંટણી કાર્ડ કાર્ડ છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આખા દેશમાં 1.2 કરોડ(12 મિલિયન)થી વધુ નામ ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા અથવા ખોટા સરનામા પર મળી આવ્યા હતા. આમાંથી એક મોટી સંખ્યામાં એવા લોકો હતા જેમની પાસે બે ચૂંટણી કાર્ડ હતા.
ચૂંટણી પંચ નક્કી કરશે
જો તમારી પાસે પણ બે EPIC કાર્ડ ખરેખર અલગ-અલગ મતવિસ્તારના છે અને અચાનક બનાવવામાં આવ્યા છે, તો આ વાત જાહેર થવા પર ગુનાહિત કેસ થઈ શકે છે. આ મામલામાં ચૂંટણી પંચની તપાસ નક્કી કરશે કે કયા EPIC નંબરને સત્તાવાર ગણી શકાય અને કયો EPIC નંબર ડુપ્લિકેટ છે. જો તપાસ પછી આરોપો સાબિત થાય તો તે મતદાર પર સૌથી પહેલા એફઆઇઆર, દંડ અથવા જેલની સજા થઈ શકે છે.
બે ચૂંટણી કાર્ડ રાખવા એ ગુનો છે
– ભારતમાં બે અલગ-અલગ સરનામાં પર વોટર આઇડી કાર્ડ રાખવા એ ગુનો છે.
– જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 17 મુજબ, કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ થઈ શકતો નથી.
– આ જ કાયદાની કલમ 18 કહે છે કે, એક જ મતવિસ્તારમાં એક વ્યક્તિ માત્ર એક જ વાર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
– જો કોઈ વ્યક્તિએ ખોટી ઘોષણા અથવા છેતરપિંડી કરીને મતદાર યાદીમાં બે વાર નામ નોંધાવ્યું હોય, જેનાથી બે અલગ EPIC કાર્ડ બની ગયા હોય, તો આનાથી કાયદાની કલમ 31નું ઉલ્લંઘન થાય છે.
– આ એક બિન-જામીનપાત્ર ગુનો છે, એટલે કે પોલીસ મેજિસ્ટ્રેટના આદેશ વિના FIR નોંધી શકતી નથી, પરંતુ તે દંડનીય અપરાધ છે.
જો તમારી પાસે પણ બે ચૂંટણી કાર્ડ છે તો શું કરવું?
– જો તમારી પાસે ભૂલથી બે ચૂંટણી કાર્ડ છે, તો તરત જ એક કાર્ડને ફોર્મ 7 ભરીને જમા કરાવી દો.
– સ્થાનિક બૂથ લેવલ ઑફિસર(BLO)નો સંપર્ક કરો. જો આ ભૂલથી થયું હોય, તો તેને સુધારી લો. આવું કરવા પર કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં આવતી નથી.
– ડુપ્લિકેટ અથવા જૂના વોટર કાર્ડને રદ કરાવો.
– જૂના કાર્ડની વિગતો (જેમ કે EPIC નંબર) ચૂંટણી કાર્યાલયમાં જમા કરાવો.
– ચૂંટણી પંચની વેબસાઇટની મુલાકાત લઈને પણ તમે તમારા ચૂંટણી કાર્ડને રદ કરાવી શકો છો.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 શું કહે છે?
કલમ 17: કોઈ વ્યક્તિ એકથી વધુ મતવિસ્તારમાં મતદાન કરી શકતો નથી.
કલમ 18: એક મતવિસ્તારમાં માત્ર એક જ વાર રજિસ્ટ્રેશન થઈ શકે છે.
કલમ 31: જો કોઈ વ્યક્તિ જાણીજોઈને ખોટું ઘોષણાપત્ર આપે છે અથવા જાણી જોઈને મતદાર યાદીમાં ખોટી માહિતી દાખલ કરાવે છે, તો તે ગુનો છે.
આ પણ વાંચો: તમે કેમ ઇચ્છો છો કે બધું ફંડ તમારા ખિસ્સામાં જ જાય? બાંકે બિહારી મંદિર કમિટીને સુપ્રીમ કોર્ટે પૂછ્યા આકરા સવાલો
બે ચૂંટણી કાર્ડ રાખનારાઓને શું સજા થઈ શકે છે?
– એક વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને.
– જો તમે બંને ચૂંટણી કાર્ડનો ઉપયોગ ઓળખ માટે કરો છો, તો આ ચૂંટણીમાં છેતરપિંડી ગણાય છે.
– ચૂંટણી પંચ નોટિસ મોકલી શકે છે.
– તમારી વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ શકે છે અથવા તો કાર્યવાહી થઈ શકે છે.
– ભવિષ્યમાં ચૂંટણી લડવા અથવા સરકારી યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી આવી શકે છે.
– નામ મતદાર યાદીમાંથી હટાવી શકાય છે.