Satyender Jain Corruption Case : દિલ્હી કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપી છે. કોર્ટે જૈન વિરુદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસને બંધ કરી દીધો છે. આ કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને ગેરકાયદે લાભના કોઈપણ પુરાવા મળ્યા નથી. રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ (PC એક્ટ) ડિગ વિનય સિંહે સીબીઆઈની ક્લોઝર રિપોર્ટ (કેસ બંધ કરવાનો રિપોર્ટ) સ્વિકારી લીધો છે. તેમણે કહ્યું કે, સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ચાર વર્ષ સુધી તપાસ કર્યા બાદ ભ્રષ્ટાચારના કોઈ પુરાવા મળ્યા નથી.
આશંકા પુરાવાની જગ્યા ન લઈ શકે : કોર્ટ
કોર્ટે કહ્યું કે, ભ્રષ્ટાચારના કેસમાં રજૂ કરાયેલા પુરાવાઓ આગામી તપાસ અથવા કાર્યવાહી માટે પર્યાપ્ત નથી. કાયદો સ્પષ્ટ કહે છે કે, આશંકા પુરાવાની જગ્યા ન લઈ શકે. એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે, કોઈને પણ આરોપી ઠેરવવા માટે માત્ર આશંકા પુરતી નથી. કાર્યવાહી આગળ વધારવી હોય તો મજબૂત પુરાવાની જરૂર પડે છે.
આ પણ વાંચો : ‘કેન્દ્ર સરકારની DDLJ નીતિ’ સુપ્રીમ કોર્ટે ચીન સંબંધી કેસમાં રાહુલ ગાંધીની ઝાટકણી કાઢ્યા બાદ મોદી સરકાર પર ભડકી કોંગ્રેસ
PWDમાં ભરતી પ્રક્રિયા મામલે જૈન વિરુદ્ધ થઈ હતી ફરિયાદ
AAP નેતા સત્યેન્દ્ર જૈન પર આરોપ લગાવાયો હતો કે, જ્યારે તેઓ દિલ્હી સરકારના લોક નિર્માણ વિભાગ (PWD)માં મંત્રી હતા, ત્યારે તેમણે આઉસોર્સિંગનો ઉપયોગ કરી પીડબલ્યુડી માટે 17 સભ્યોની સલાહકાર ટીમની નિમણૂક કરવા માટે મંજૂરી આપી હતી. જૈને આવું કરીને પ્રમાણભૂત સરકારી ભરતી પ્રક્રિયાઓને અવગણી હતી. ત્યારબાદ તકેદારી વિભાગની ફરિયાદના આધારે મે-2019માં જૈન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
CBIએ PWDમાં ભરતી પ્રક્રિયા યોગ્ય ઠેરવી
સીબીઆઈએ ચાર વર્ષ સુધી તપાસ કર્યા બાદ માન્યું કે, પીડબલ્યુડીમાં તાત્કાલીક જરૂરીયાતના કારણે ભરતી પ્રક્રિયા જરૂરી હતી અને આ ભરતી પ્રક્રિયા પારદર્શી અને પ્રતિસ્પર્ધી હતી. આ મામલે સીબીઆઈને ભ્રષ્ટાચાર, ગુનાહિત ષડયંત્ર, અયોગ્ય લાભ અથવા વ્યક્તિગત લાભના કોઈ પુરાવા મળ્યા નથી. કેસના ક્લોઝર રિપોર્ટ પર વિચારણા કર્યા બાદ કોર્ટે તેને સ્વિકારી લીધો છે અને કેસ બંધ કરી દીધો છે. કોર્ટે એવું પણ કહ્યું કે, જો કોઈના વિરુદ્ધ નવા પુરાવા મળે તો સીબીઆઈ આગળની તપાસ કરવા માટે સ્વતંત્ર રહેશે.
આ પણ વાંચો : ….તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર પેઠો