ગુજરાત પરિવહન વિભાગે લર્નિંગ લાયસન્સ સરળતાથી મળી રહે તે માટે ઓનલાઇન પ્રક્રિયાની સુવિધા ઉભી કરી છે. પરંતુ, ઓનલાઇન ટેસ્ટની પ્રક્રિયામાં ટેકનિકલ એરરથી અરજીઓ પેન્ડિંગ થઈ જતા અરજદારોને ફરી એક વખત આરટીઓ કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
પરિવહન વિભાગની અધિકૃત વેબસાઈટ પર જઈ અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એઆઈ આધારિત ઓનલાઈન ટેસ્ટ પાસ કરતા અરજદારોને લર્નિંગ લાયસન્સ ડિજિટલ ફોર્મેટમાં આપવામાં આવે છે. ઓનલાઇન ટેસ્ટ વખતે જો કંઈ ગરબડ જણાય તો ઓટોમેટીક ડીસ્કોલીફાઈ થાય છે. જો કે, આ ટેસ્ટ પ્રક્રિયામાં વાયોલેશન ડિટેક્ટ થતા અરજીઓ પેન્ડિંગ થઈ રહી હોવાની વિગતો સામે આવી છે. હાલ વડોદરા દરજીપુરા આરટીઓ ખાતે આ પ્રકારની લગભગ 10 જેટલી અરજીઓ નિર્ણય અંગે પેન્ડિંગ છે. આ અંગે આરટીઓ ઓફિસર જીગર પટેલનું કહેવું છે કે, ઓનલાઇન ટેસ્ટ પ્રક્રિયામાં વાયોલેશન ડિટેક્ટ થાય તો તે અરજી અત્રેની કચેરીમાં એપ્રુવલ માટે આવી રહી છે, આઈ બ્લિંક એરર ડિટેકટ થતા આવી અરજીઓને મંજૂર કરવી કે પછી રિજેક્ટ કરવી તે અંગે વડી કચેરીનો સંપર્ક સાંધ્યો છે, માર્ગદર્શન બાદ એરરનું કારણ જાણવા મળશે તથા નિર્ણય થઈ શકાશે, જેથી હાલ અરજીઓ પેન્ડિંગ છે.