મુંબઈ : ગયા સપ્તાહના અંતે આવેલા ઉછાળા બાદ કિંમતી ધાતુમાં નવા સપ્તાહના પ્રારંભમાં ઊંચા મથાળે ભાવમાં ટકેલુ વલણ રહ્યું હતું. અમેરિકા તથા રશિયા વચ્ચે તાણ વધી જવાને પરિણામે ડોલર ઈન્ડેકસ નબળો પડયો હતો અને વૈશ્વિક સોનાચાંદીમાં ભાવ મક્કમ રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીમાં સપ્તાહના પ્રારંભમાં ભાવ નોંધપાત્ર ઊંચા મુકાતા હતા. મુંબઈ સોનું ફરી રૂપિયા ૧,૦૦,૦૦૦ને પાર કરી ગયું હતું.શુક્રવારના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ મુંબઈ સોનુ રૂપિયા ૧૯૦૦ ઊંચુ મુકાતું હતું. શુક્રવાર સત્તાવાર બંધની સરખામણીએ ચાંદીમાં પણ રૂપિયા ૨૨૦૦નો સુધારો જોવાયો હતો. ઓપેક તથા સાથી દેશો સપ્ટેમ્બરમાં ક્રુડ તેલનું દૈનિક ઉત્પાદન વધારશે તેવા અહેવાલે ક્રુડ તેલમાં મંદી જોવા મળી હતી.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૦૦,૧૬૭ મુકાતા હતા. શુક્રવારના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ રૂપિયા ૧૯૦૦ ઊંચકાયા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૯૭૬૬ કવોટ થતા હતા.
જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ ગત સપ્તાહના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ રૂપિયા ૨૨૫૦ વધી જીએસટી વગર રૂપિયા ૧૧૧૯૦૦ બોલાતા હતા.
અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૨૭૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૨૪૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૧૫૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૩૩૭૦ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૭.૩૨ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ પ્રતિ ઔંસ ૧૩૧૪ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૮૮ ડોલર મુકાતું હતું.
અમેરિકામાં જુલાઈના નોનફાર્મ પેરોલ ડેટા ગયા સપ્તાહના અંતે નબળા આવતા અને મે-જૂનના આંકડા પણ ઘટીને આવતા ડોલર ઈન્ડેકસ નબળો પડયો હતો અને હેજ ફન્ડો ફરી પાછા સેફ હેવન રોકાણ તરફ વળતા સોનામાં ભાવ ફરી મક્કમ જોવા મળી રહ્યા છે.
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ ર્ કન્ટ્રીસ (ઓપેક) તથા સાથી દેશોએ સપ્ટેમ્બરથી ક્રુડ તેલના પ્રતિ દિન ઉત્પાદનમાં ૫૪૭૦૦૦ બેરલ વધારો કરવાના સંકેત આપ્યા બાદ ક્રુડ તેલના ભાવ સપ્તાહના પ્રથમ દિવસે દબાણ હેઠળ રહ્યા હતા. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૫.૮૦ ડોલર અને આઈસીઈ બ્રેન્ટ બેરલ દીઠ ૬૮.૩૦ ડોલર મુકાતુ હતું.