– સત્તા પક્ષ ભાજપના તમામ 18 સભ્યોએ તરફેણમાં મત આપ્યા
– વિપક્ષના સાત સભ્યોએ બજેટને વખોડી વિરોધ નોંધાવ્યો
ગારિયાધાર : ભાજપ શાસિત ગારિયાધાર નગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં ૬.૬૨ કરોડના પુરાંતવાળા બજેટને બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે.
ગારિયાધાર પાલિકામાં અઢી વર્ષ સુધી વહીવટીદારના શાસન બાદ ગત મહિને યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સત્તા સંભાળી હતી. નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ આજે શુક્રવારે બજેટ મંજૂર કરવા માટે પ્રમુખના અધ્યક્ષસ્થાને પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપના ૧૮, વિપક્ષના ૭ સભ્ય હાજર રહ્યા હતા. આ બેઠકમાં તા.૧-૪-૨૦૨૪ની ખુલતી સિલક રૂા.૫૬૧૪૮૪૪૬.૨૪, સને ૨૦૨૪-૨૫ની અંદાજી આવક ૧૮૮૪૬૫૦૦૦.૦૦, સને ૨૦૨૪-૨૫નો અંદાજી ખર્ચ ૧૮૩૫૧૬૦૦૦.૦૦ અને તા.૩૧-૩-૨૦૨૫ની બંધ સિલક ૬૧૦૯૭૪૪૬.૨૪ મળી રૂા.૨૪,૪૬,૧૩૪૪૬.૨૪ તેમજ તા.૧-૪-૨૦૨૫ની ખુલતી સિલક ૬૧૦૯૭૪૪૬.૨૪, સને ૨૦૨૫-૨૬ની અંદાજી આવક ૨૮૭૭૯૨૯૪૬.૨૪, સને ૨૦૨૫-૨૬નો અંદાજી ખર્ચ ૨૨૧૨૨૧૦૦૦.૦૦, તા.૩૧-૦૩-૨૦૨૬ની બંધ સિલક ૬૬૫૭૧૯૪૬.૨૪ મળી કુલ રૂા.૨૮૭૭૯૨૯૪૬.૨૪ સાથે રૂા.૬,૬૨ કરોડની પુરાંતવાળું બજેટ બહુમતીથી પાસ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ૧૭ સભ્યોએ બજેટની તરફેણમાં અને વિપક્ષના સાત સભ્યોએ અસહમતી દર્શાવી બજેટને વખોડી વિરોધ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.