Surat News : સુરતની ઓળખ સમાન કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગને સમર્પિત ગણેશજીની અનોખી પ્રતિમાઓ મહિધરપુરાની છાપરિયા શેરીમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે, ચાર અલગ-અલગ મંડપોમાં આ થીમ આધારિત માટીની નાની પ્રતિમાઓ મૂકવામાં આવી છે, જે ગણેશ ભક્તોને મંત્રમુગ્ધ કરી રહી છે.
મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર
ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન વિવિધ સામાજિક સંદેશા આપતી થીમ્સ જોવા મળે છે, પરંતુ મહિધરપુરાની આ શેરીમાં સુરતના વ્યાપારી જીવનને દર્શાવતી પ્રતિમાઓ ખરેખર અનોખી છે. આ પ્રતિમાઓ ફક્ત દર્શન માટે જ છે, તેની સ્થાપના કરવામાં આવતી નથી. આ વર્ષની થીમમાં સુરતના મુખ્ય ઉદ્યોગોને ગણેશજીના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે.
ઉદ્યોગવાર ગણેશજીનું સ્વરૂપ
કાપડ ઉદ્યોગ: પ્રથમ મંડપમાં, કાપડના વેપારીની પેઢી હોય તેવું થ્રીડી દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ગાદી પર પાઘડી અને ફેંટાવાળા પહેરવેશમાં ગણેશજી બિરાજમાન છે. તેમની બાજુમાં એક મહિલાની પ્રતિમા પણ છે, જે હાથમાં સાડીઓ સાથે સુરતના કાપડ ઉદ્યોગની સમૃદ્ધિ દર્શાવે છે.
જરી ઉદ્યોગ: બીજા મંડપમાં, સુરતના સૌથી જૂના ઉદ્યોગ જરીને પ્રસ્તુત કરાયો છે. પેન્ટ-શર્ટ પહેરેલા અને જરીના વેપારી જેવા લાગતા ગણેશજીની ઊભી પ્રતિમા જોવા મળે છે, જેની આસપાસ જરીના ફીરકા મૂકવામાં આવ્યા છે.
હીરા ઉદ્યોગ: વિશ્વભરમાં પ્રખ્યાત સુરતના હીરા ઉદ્યોગને પણ થીમમાં સમાવાયો છે. થ્રીડી પડદા પર હીરા ઘસતા કારીગરો દર્શાવવામાં આવ્યા છે. આ મંડપમાં, ગણેશજી હીરાની ઓફિસમાં હોય તે રીતે ટેબલ-ખુરશી પર બિરાજમાન છે, અને ટેબલ પર હીરાના પડીકા અને હાર જોવા મળે છે.
રિયલ એસ્ટેટ: છેલ્લા મંડપમાં, સુરતમાં વિકસી રહેલા રિયલ એસ્ટેટ ઉદ્યોગને દર્શાવવામાં આવ્યો છે. અહીં બિલ્ડર જેવી કોટી પહેરેલા ગણેશજીની પ્રતિમા છે, જેની આસપાસ બિલ્ડિંગના મોડેલ મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરતના બેગમપુરામાં ગણેશ આયોજકોમાં ભારે રોષ : ગણેશ પંડાલ રાત્રે 12 વાગ્યા બાદ બંધ કરાવતા ચોરીની ઘટના બનતી હોવાના આક્ષેપ
દસ દિવસ બાદ થાય છે વિસર્જન
રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળના સભ્ય સમીર કાપડિયાના જણાવ્યા અનુસાર, મંડળના સભ્યો દર વર્ષે કોઈને કોઈ સામાજિક કે સાંસ્કૃતિક થીમ પર માટીની પ્રતિમાઓ બનાવે છે, જે કોઈ સંદેશો આપે. આ પ્રતિમાઓની સ્થાપના થતી નથી, તેથી મુખ્ય પ્રતિમાના વિસર્જન બાદ દસ દિવસ પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે. આ અનોખી પહેલને કારણે મહિધરપુરાની આ શેરી ગણેશ ભક્તો માટે એક અનોખું આકર્ષણ બની છે.