મુંબઈ : અમેરિકામાં ગયા સપ્તાહમાં રોજગારના આંકડા નબળા આવ્યા બાદ સપ્ટેમ્બરની બેઠકમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત આવવાની શકયતા વધી જતા વૈશ્વિક સોનામાં ભાવ મક્કમ રહીને બે સપ્તાહની ઊંચી સપાટીએ જોવાયા હતા. ચાંદીમાં પણ ટકેલુ વાતાવરણ રહ્યું હતું.
નીચા વ્યાજ દરની સ્થિતિમાં સોનાની કામગીરી સારી રહેતી હોવાની ધારણાંએ ફન્ડો સોનામાં રોકાણ તરફ વળી રહ્યાનું ચર્ચાતુ હતુ. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં પીછેહઠ જોવા મળી હતી.
ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૦૭૬ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગર ભાવ રૂપિયા ૯૯૬૭૫ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૨૪૨૨ બોલાતા હતા.
અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૩૩૦૦ બોલાતા હતા જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧૦૩૦૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૩૫૦૦ મુકાતા હતા.
વિશ્વ બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ ૩૩૭૦ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૭.૫૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ પ્રતિ ઔંસ ૧૩૦૭ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ રૂપિયા ૧૧૭૭ ડોલર મુકાતુ હતું. અમેરિકન ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજ દર ઘટાડશે તેવી શકયતા વધી જતા સોનામાં મક્કમતા જોવા મળી છે. વ્યાજ દરમાં ઘટાડાની સ્થિતિમાં ફન્ડ હાઉસોનું સોનામાં આકર્ષણ વધે છે.
માગની ચિંતા તથા ઓપેક અને સાથી દેશો દ્વારા ઉત્પાદન વધારવાના નિર્ણયને પગલે ક્રુડ તેલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. અમેરિકામાં આર્થિક ડેટા નબળા આવતા ક્રુડ તેલની માગ પર અસર પડવાની ચિંતા તથા ઓપેક અને સાથી દેશો તરફથી પૂરવઠો વધારવાના નિર્ણયને પરિણામે ભાવ પર દબાણ આવ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૫.૨૯ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭.૮૬ ડોલર મુકાતું હતું.