સંતરામ સર્કલ પાસે બંને પક્ષો વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ
સરકારી ફરજમાં રૂકાવટ લાવવા બદલ ત્રણ લારી સંચાલક વિરૂદ્ધ દબાણ વિભાગના અધિકારીની ફરિયાદ
નડિયાદ: રક્ષાબંધનના તહેવાર પહેલાં નડિયાદમાં પેટીયું રળતા શ્રમિકો અને મનપાના દબાણ વિભાગ વચ્ચે મોડી સાંજે થયેલા ઘર્ષણ બાદ દબાણ વિભાગના અધિકારીએ લારી સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના સંતરામ સર્કલ પાસેની ઘટના બાદ બંને પક્ષો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે પોલીસે હાલ દબાણ અધિકારીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે, જ્યારે લારી સંચાલકોની ફરિયાદ લેવાઈ નથી.
મનપાના દબાણ વિભાગના ઇન્ચાર્જ શાખાધિકારી અને ફાયર વિભાગના કર્મચારી રાકેશભાઈ શર્માએ ત્રણ લારી સંચાલકો – યોગેશભાઈ મહેશભાઈ વાઘેલા, અમિતભાઈ મહેશભાઈ વાઘેલા અને મહેશભાઈ વાઘેલા – વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમની ટીમ સાથે સંતરામ સર્કલ પાસે ગીતામંદિર રોડ પર ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો હટાવવાની કામગીરી કરતા હતા. ત્યારે આ ત્રણેય આરોપીઓએ તેમને સરકારી ફરજ બજાવતા અટકાવ્યા હતા. દરમિયાન આરોપીઓએ રાકેશ શર્મા અને તેમની સાથેના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. અમિતભાઈ વાઘેલાએ લોખંડનો વજન કાંટો અને પાઈપ વડે કર્મચારીઓને માર માર્યો હતો. જ્યારે રાકેશ શર્માએ વચ્ચે પડીને છોડાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમિતભાઈએ તેમનો કોલર પકડી લીધો હતો, જેના કારણે તેમની ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા તૂટી ગઈ હતી. મહેશભાઈ વાઘેલાએ પાછળથી આવીને રાકેશ શર્માને પીઠના ભાગે લોખંડની પાઈપ મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં દબાણ અધિકારીના વર્તન પર પણ સવાલો ઊભા થયા હતા, જેમાં તેઓ કાયદો હાથમાં લેતા દેખાયા હતા. મોડી સાંજ સુધી લારી સંચાલકોની ફરિયાદ ન લેવાઈ હોવાની પણ ચર્ચા ઉઠી છે.