રાજકોટમાં શ્રાવણ માસમાં બજારુ ફરાળ ખરીદતા શિવભક્તોના
ગાયત્રીનગર મેઇન રોડ પર ‘જલારામ ફરસાણ’માંથી પેટીસ બનાવવા વપરાતો મકાઈનો લોટ,વાસી ૮૫ કિ.પેટીસ જપ્ત
રાજકોટ: રાજકોટમાં ખાદ્યચીજોમાં ભેળસેળ બદલ નજીવો દંડ કે સામાન્ય સજા હોવાથી અને ભેળસેળ પકડાયા પછી પણ લોકો ખરીદી માટે આવતા હોવાથી કેટલાક વેપારીઓ ગણત્રીપૂર્વકનું જોખમ લઈને બેફામ ભેળસેળ કરી રહ્યા છે. હાલ શ્રાવણ માસમાં ભોળાનાથની ભક્તિ માટે હજારો લોકો ઉપવાસ કરતા હોય છે ત્યારે ફરાળી પેટીસ વેચતી જલારામ ફરસાણ નામની દુકાનમાં મનપાના ફૂડ વિભાગે ચેકીંગ કરતા તેમાં પેટીસ બનાવવા માટે વાપરવા રાખેલો મકાઈનો લોટ મળી આવ્યો હતો.
મનપા સૂત્રો અનુસાર ફૂડ વિભાગ દ્વારા ગાયત્રીનગર મેઈનરોડ પર જલારામ ચોક ખાતે આવેલ ‘જલારામ ફરસાણ’ નામની પેઢીમાં ચેકીંગ કરતા ફરાળી પેટીસના ઉત્પાદન માટે મકાઈનો લોટ (મેઈઝ સ્ટાર્ચ)નો ઉપયોગ થતો હોવાનું માલુમ પડયું હતું. આ ઉપરાંત અગાઉથી સંગ્રહ કરીને રાખેલી ૮૫ કિલો પેટીસ અખાદ્ય અને વાસી જણાતા તે પેટીસ અને ૫ કિલો મકાઈનો લોટ કબજે કરીને સ્થળ ઉપર નાશ કરાયો છે તેમજ આ પેઢીને હાઈજેનિક કન્ડીશન જાળવવા નોટિસ ફટકારાઈ છે. પેઢી પાસે ફૂડ લાયસન્સ પણ ન્હોતું જે માટે પણ નોટિસ અપાઈ છે.
આ ઉપરાંત મનપા દ્વારા હવે ફૂડ લાયસન્સ વગર ધંધો કરનારાને માત્ર સૂચનાને બદલે નોટિસ આપવાનું શરુ કરાયું છે અને આજે ગાયત્રીનગર મેઈનરોડ પર અન્નપૂર્ણા ફરસાણ, જલીયાણ ફરસાણને નોટિસ અપાઈ હતી. આ ઉપરાંત શ્રાવણ માસમાં ઉપવાસમાં ખવાતા રાજગરા ફરાળી ચેવડો,સાબુદાણાની ખિચડી, ફરાળી સ્પ્રીંગ પાસ્તા, ફરાળી લોટ વગેરેના નમુના લઈને તે ફરાળી હતા કે તેમાં અન્ય વસ્તુની ભેળસેળ હતી તે ચકાસવા નમુના લઈ લેબોરેટરીમાં મોકલાયા છે.