– સરપંચને ગામના વિકાસમાં રસ ન હોવાનો આક્ષેપ
– અંકલઈથી પ્રતાપપુરાનો રસ્તો પ્રધાનમંત્રી યોજનાથી મંજૂર હોવા છતાં બનાવવામાં પંચાયતના ઠાગાઠૈયા
કપડવંજ : કપડવંજ તાલુકાના અંકલઈ ગામમાં રસ્તાના અભાવે લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. ડાઘૂઓને કીચડમાંથી નનામી સાથે પસાર થવાની નોબત આવી છે. ત્યારે ગ્રામ પંચાયતની બેદરકારીના લીધે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે.
કપડવંજના અંકલઈના ગ્રામજનોએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે, કપડવંજ તાલુકાના અંકલઈથી પ્રતાપપુરાનો રસ્તો પ્રધાનમંત્રી યોજનાથી મંજૂર થયો છે. છતાં સુદ્રઢ રસ્તાની સુવિધા ગામમાં પૂરી પાડવામાં આવી નથી. રસ્તાના અભાવે ગ્રામજનો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. બાળકોને શાળાએ જવામાં તકલીફ પડી રહી છે. મૃતકને સ્મશાન તરફ લઈ જતા ડાઘુઓને કાદવ- કીચડમાંથી નનામી સાથે પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે અંકલઈના સરપંચને ગામોનો વિકાસ કરવામાં કોઇ રસ જ ન હોય તેમ મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પંચાયતમાં સફાઈ માટે વપરાતી ગ્રાન્ટનો ઉપયોગ શંકાસ્પદ હાલતમાં કરતા હોવાના આરોપ સાથે તપાસ કરવાની માંગણી ઉઠી છે.
70 થી 80 મીટર અધૂરો રસ્તો ગ્રાન્ટ મંજૂરી બાદ બનાવાશે : સરપંચ
આ આ બાબતે સરપંચ સોમાભાઈ કાળાભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, સ્મશાન બાજુનો રસ્તો જે બનાવવામાં આવેલોએ અંદાજે ૭૦થી ૮૦ મીટર અધૂરો રાખ્યો છે. જેમ જેમ ગ્રાન્ટ આવે એમ કામ કરીએ છીએ. ગ્રાન્ટ મંજૂર થશે એટલે પૂરો કરવામાં આવશે.