– લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીનો દરોડો
– પોલીસે દારૂની 526 બોટલ, બિયરના 21 ટીન, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો
લીંબડી : લીંબડી તાલુકાનાં ભલગામડા ગામે ૫૪૭ બોટલો વિદેશી દારૂ તથા બીયર ના જથ્થા સાથે એક શખ્સને એલ.સી.બી ટીમે ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી દારૂ તથા બીયર નો જથ્થો અને મોબાઈલ મળીને કુલ રૂપિયા ૧.૯૪ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તરમાં આવતા ભલગામડા ગામના મફતિયા પરા વિસ્તારમાં ગજુ નટુભા રાણા પોતાના ઉતારામાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો રાખીને વેચાણ કરે છે. તેવી ચોકસ બાતમીના આધારે સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડયો હતો. દરોડામાં વિદેશી દારૂની ૫૨૬ બોટલ (કિં.રૂ.૧,૯૦,૪૦૦), બિયરના ૨૧ ટીન (કિં.રૂ.૩,૭૮૦), એક-મોબાઈલ (કિં.રૂ.૫૦૦) મળીને કુલ રૂ.૧,૯૪, ૬૮૦નો મુદામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન ગજુ રાણાની પુછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો સંજય ઉર્ફે ટીનો અનિરુદ્ધસિંહ રાણા (રહે.ભલગામડા) પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સંજય ઉર્ફે ટીનો રાણાની તપાસ હાથ ધરતાં તે હાજર નહીં મળી આવતાં બંને શખ્સો સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.