યુવા પેઢીને બરબાદ કરતી ખેલો ઈન્ડિયા ખેલોની સટ્ટાકીય પ્રવૃતિને ડામવા કવાયત
મુંબઈ : ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં અનેક નવા નાના ખેલાડીઓ પ્રવેશીને ખુવાર થઈ મોટી નુકશાની કરી રહ્યા હોઈ સાપ્તાહિક ખેલો ઈન્ડિયા ખેલોના જુગાર-કેસીનો પર હવે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) લગામ લગાવવા વિચારણા કરી રહ્યું છે. સટ્ટાકીય ટ્રેડિંગ પ્રવૃતિઓને ડામવા માટે આ ગંભીરતાથી સેબી વિચારણા કરી રહ્યાના અહેવાલોએ આજે શેર બજારોમાં બ્રોકિંગ-ફાઈનાન્શિયલ સર્વિસિઝ કંપનીઓના શેરોમાં તેજીના વળતાં પાણી થઈ મોટા ગાબડાં પડયા હતા.
એક અહેવાલ મુજબ સેબી અધિકારીઓ સાથેની મીટિંગમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, વિક્લી એક્સપાયરીઝથી માત્ર સટ્ટાકીય પ્રવૃતિ જ વધે છે અનને એનાથી રાષ્ટ્રના અર્થતંત્રમાં એનું કોઈ યોગદાન નથી. સેબી વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યું છે, જેમાં સાપ્તાહિક એક્સપાયરી ઘટાડીને દ્વિમાસિક અથવા માસિક કરવાનો સમાવેશ થાય છે અને કેશ ટ્રેડિંગ માટે માર્જિન આવશ્યકતાઓ ઘટાડીને ઓપ્શન ટ્રેડિંગ માટે માર્જિન જરૂરીયાતોમાં વધારો કરવાનો પણ વિચારણા કરવામાં આવે છે.
રિપોર્ટમાં વધુ જણાવાયું છે કે, સટ્ટાને રોકવા માટે ઓપ્શન ટ્રેડિંગ પર સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટ્રાન્ઝેકશન ટેક્ષ વધારવાનો અને તેને પ્રોત્સાહન આપવા માટે કેશ ટ્રેડિંગ પર એસટીટી ઘટાડવાનો બીજો વિકલ્પ પણ શોધવામાં આવી રહ્યો છે. જો કે, રિપોર્ટમાં ઉમેર્યું છે કે, આવતાં વર્ષે કેન્દ્રીય બજેટ પહેલા એસટીટી પર પગલું શકય નહીં હોય. જો કે, સેબી વિવિધ વિકલ્પો પર હિસ્સેદારો સાથે પરામર્શ માટે એક ચર્ચા પત્ર રજૂ કરશે અને પરામર્શના પરિણામ પર સેબી બોર્ડ દ્વારા વિચારણા કરવામાં આવશે.
જે ઓપ્શન ટ્રેડિંગને રોકવા માટેના પગલાં પર વિચાર કરશે. આ પ્રકારના પગલાં મૂડી બજારમાં શેરો માટે હાનિકારક હોઈ શકે છે, કેમ કે તે સંભવિત રીતે ઓપ્શન વોલ્યુમમાં ઘટાડો, એક્સપાયરી દિવસની અસ્થિરતા ઘટાડી શકે છે અને પરિણામે બ્રોકિંગ હાઉસો-ફાઈનાન્શિયલ સર્વિસિઝ કંપનીઓની આવકમાં ઘટાડો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને સેબીના પૂર્ણ સમયના મેમ્બર અનંત નારાયણે ટૂંકાગાળાના એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટસમાં જંગી ટ્રેડિંગ વોલ્યુમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને એમ કહ્યું હતું કે, નિયામક તંત્ર પ્રોડક્ટસ અને સોલ્યુશન્સની મુદ્દત અને પાકતી તારીખને લંબાવીને એફ એન્ડ ઓ માર્કેટની ગુણવતામાં સુધારો કરવાનો પ્રયાસ કરશે.
સ્ટોક બ્રોકરોના અગ્રણી સંગઠન એસોસીયેશન ઓફ નેશનલ એક્સચેન્જીસ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (એનમી), ઈક્વિટી એફ એન્ડ ઓમાં રિટેલ ભાગીદારીમાં સુધારાની હિમાયત કરી રહ્યું છે, જ્યાં તાજેતરના સલામતીના પગલાં છતાં ૯૦ ટકાથી વધુ ટ્રેડરો નુકશાની કરી રહ્યા છે. એનમી જવાબદાર અને ટકાઉ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પાત્રતા ધોરણો, પોઝિશન મર્યાદા, જોખમ વ્યવસ્થાપન માળખા અને રોકાણકારોના રક્ષણ માટે પગલાને મજબૂત બનાવવાનું સૂચન કરે છે.
સેબીના આ પ્રતિબંધાત્મક પગલાંની વિચારણાના અહેવાલે આજે બ્રોકિંગ-ફાઈનાન્શિયલ સર્વિસિઝ કંપનીઓના શેરોમાં ૬ ટકા સુધી ઘટાડો નોંધાયો હતો. જેમાં બીએસઈ લિમિટેડનો શેર ૪.૭૩ ટકા એટલે કે રૂ.૧૧૭.૬૦ તૂટીને રૂ.૨૩૬૯ રહ્યો હતો. એન્જલ વન લિમિટેડનો શેર ૧.૧૩ ટકા એટલે કે રૂ.૨૯.૬૦ ઘટીને રૂ.૨૫૯૮, મોતીલાલ ઓસ્વાસ ફાઈનાન્શિયલ ૨.૦૨ ટકા એટલે કે રૂ.૧૮.૭૦ ઘટીને રૂ.૯૦૮.૧૦, જેએમ ફાઈનાન્શિયલ ૧.૮૪ ટકા એટલે કે રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૫૪.૩૦, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ લિમિટેડ-સીડીએસએલ ૦.૨૮ ટકા એટલે કે રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૫૬૮, શેર ઈન્ડિયા સિક્યુરિટીઝ ૨.૬૧ ટકા એટલે કે રૂ.૪.૬૧ ઘટીને રૂ.૧૭૨.૩૫, રેલીગેર ૨.૯૭ ટકા એટલે કે રૂ.૭.૭૫ ઘટીને રૂ.૨૫૩.૨૦, આઈઆઈએફએલ ૨.૬૬ ટકા એટલે કે રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૪૩૭.૪૫, એસએમસી ગ્લોબલ ૨.૮૨ ટકા એટલે કે રૂ.૩.૯૫ ઘટીને રૂ.૧૩૬.૩૦ રહ્યા હતા.