Jamnagar PGVCL : જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારના આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મની નજીક કચરો એકત્ર થયો હતો, તે સ્થળે કોઈ કારણસર આગ લાગી હતી, અને ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં એકાએક કચરો સળગવા લાગ્યો હતો.
ટ્રાન્સફરની નીચેના ભાગમાં લગાવેલી ઝાળી વગેરે સળગી ઉઠે તેવી પરિસ્થિતિ સર્જાતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને કોઈએ ફાયર બ્રિગેડ તેમજ પીજીવીસીએલને જાણ કરાતાં સૌપ્રથમ પીજીવીસીએલના અધિકારી પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો.
ત્યારબાદ ફાયર બ્રિગેડની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી, જેથી પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરના વાયર અથવા અન્ય સામગ્રીનો બચાવ થયો હતો. આગ કાબુમાં આવી ગઈ હોવાથી, અને વાયરીંગ વગેરે સલામત હોવાથી વીજ પુરવઠો પૂર્વવત બનાવી દીધો હતો.