– કોંગ્રેસના 7 મળી વિપક્ષના 8 સભ્યએ બજેટ સામે વાંધો ઉઠાવ્યો
– બજેટમાં રસ્તા, પાણી, સફાઈ, તળાવ-બગીચાસહિતના વિકાસ કામો અને માળખાગત સુવિધાની જોગવાઈ : પ્રમુખ
ધંધુકા : ધંધુકા નગરપાલિકામાં ભાજપના ૨૦ સભ્યોએ બહુમતીના જોરે ૦૫.૩૩ કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર કરાવ્યો હતો. આ બજેટ સામે કોંગ્રેસના સાત મળી વિપક્ષના આઠ સભ્યએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે, બહુમતી ભાજપની હોય, બજેટને પાસ કરાવવામાં ભાજપને લોઢાના ચણાં ચાવવા જેવી સ્થિતિ ઉપસ્થિત થઈ ન હતી.
ધંધુકા પાલિકાની ભાજપે સત્તા સંભાળ્યા બાદ મહિલા પ્રમુખ પારૂલબેન આદેશરાના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬નું રૂા.૫.૩૩ લાખની પુરાંત દર્શાવતું અંદાજપત્ર રજૂ કરવામાં આવતા ભાજપના ૨૦ સભ્યોએ બજેટને સમર્થન આપ્યું હતું. જ્યારે કોંગ્રેસના સાત અને અપક્ષના એક સભ્યએ બજેટનો વિરોધ કર્યો હતો. જેને લઈ સત્તાધારી પક્ષે ખુલાસા કરવા પડયા હતા. સામાન્ય સભામાં અન્ય કોઈ એજન્ડા ન હોવાથી બેઠક પોણો કલાકમાં પૂર્ણ થઈ હતી. વધુમાં વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રસ્તા, પાણી, સાફસફાઈ, લાઈટ, તળાવ, બગીચા સહિતના વિવિધ વિકાસ કામો અને શહેરની જનતાની માળખાગત સુવિધા માટે ખાસ જોગવાઈ કરવામાં આવ્યાનું પ્રમુખે જણાવ્યું હતું.