– મહાનગરપાલિકાના ડમ્પીંગ સાઇટ પર
– મામા-ભાણેજ ટેમ્પલ બેલ ગાડીનું રિપેરિંગ કરતા હતા ત્યારે અન્ય ગાડી રિવર્સમાં લેવા જતા અકસ્માત
ભાવનગર : શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલા મહાપાલિકાના ડમ્પીંગ સાઇટ પર ટેમ્પલ બેલ ગાડીનું રિપેરિંગ કામ કરી રહેલા સગીરનું ગાડી તળે દબાઈ જતા મોત નિપજ્યું હતું.
મુળ બિહારના વતની અને શહેરના ચાવડીગેટ વિસ્તારના ફાચરીયાવાડી શેરી ખાતે રહેતા મોહમ્મદરિયાઝ મહમદસફિક અંસારી અને તેનો ભાણેજ મહમદઆસિફ ગુફરાનમહમદ અંસારી (ઉં.વ.૧૭) બન્ને સવારના આશરે સાડા દસેક વાગ્યાના અરસામાં ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાની ડમ્પીંગ સાઇડ ટેમ્પલ બેલ ગાડીનું રીપેરીંગ કરતા હતા ત્યારે અપ્પુભાઇએ પોતાની હવાલા વાળી ટેમ્પલ બેલ ગાડી બેદરકારીથી રિવર્સમાં ચલાવી રીપેરિંગ કરવામાં આવી રહેલી ગાડી સાથે અથડાવી દેતા જેક ખસી જવાથી ટેમ્પલ બેલ નીચે કામ કરી રહેલ મહમદઆસિફ ટેમ્પલ બેલ નીચે દબાઈ ગયો હતો. જે બાદ મહમદઆસિફને ગંભીર હાલતે સર ટી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના મામા મોહમ્મદરિયાઝએ ગાડી ચાલક વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.