મુંબઈ : ચીન દ્વારા અમેરિકાની આયાત ટેરિફમાં વધારો ઉપરાંત ટેરિફ મુદ્દે પીછેહઠ નહીં કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને પરિણામે સપ્તાહના પ્રથમ દિવસે ક્રિપ્ટોકરન્સીસ માર્કેટમાં ઘટાડો જોવાયો હતો અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનની આગેવાની હેઠળ અન્ય ક્રિપ્ટોસમાં કરેકશન જોવા મળ્યું હતું. બિટકોઈન ૭૫,૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો.
બિટકોઈન ઘટી માર્ચની નીચી સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોનું માનસ એકદમ ખરડાયેલું છે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.અન્ય કરન્સીસ જેમ કે એથરમ, એકસઆરપી, સોલાનામાં ૧૫થી ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
બૃહદઆર્થિક અનિશ્ચિતતા, આક્રમક વેચાણ તથા ટેરિફને કારણે રોકાણકારો જોખમી એસેટસમાંથી નીકળીને સેફ હેવન રોકાણ તરફ વળી રહ્યાનું જોવા મળી રહ્યું છે.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૮૩૦૨૧ ડોલર અને નીચામાં ૭૪૭૮૧ ડોલર થઈ મોડી સાંજે ૭૬૩૭૪ ડોલર બોલાતો હતો. એથરમનો ભાવ ઉપરમાં ૧૭૯૧ ડોલર અને નીચામાં ૧૪૩૧ ડોલર થઈ મોડી સાંજે ૧૪૯૨ ડોલર કવોટ થતો હતો. ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ૮.૬૦ ટકા ઘટી ૨.૪૪ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ છે. અમેરિકન બજાર મંદીમાં ધકેલાઈ જશે તેવી ધારણાંએ ક્રિપ્ટોસમાં કરેકશન આવ્યું હોવાનું ખેલાડીઓ માની રહ્યા છે.
અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ સામેથી પોતાના અર્થતંત્રને સલામત બનાવવા ચીન સ્ટીમ્યુલ્સ જાહેર કરવા વિચારી રહ્યું હોવાના અહેવાલે રોકાણકારોની ચિંતામાં વધારો કરાવ્યો છે.
અમેરિકા સાથેની વેપાર ખાધનો મુદ્દો જ્યાંસુધી નહીં ઉકેલાય ત્યાંસુધી ચીન સાથે કોઈ કરાર નહીં કરવા ટ્રમ્પનું નિવેદન આવી પડયું છે. રવિવારે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે ટેરિફને દવા સાથે સરખાવી હતી અને જણાવ્યું હતું કે, ટેરિફ પાછા ખેંચવા વિદેશની સરકારોએ ઘણાં બધા નાણાં ચૂકવવાના રહેશે. બજારમાં ઘટાડાની પોતાને ચિંતા નહીં હોવાનું પણ ટ્રમ્પે જણાવ્યું હતું.