Jamnagar : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જામનગર શહેરના અનેક મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવીને રોડને ખુલ્લા કરાવવા માટેની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, જેમાં આજે લીમડાલેન, લાલ બંગલા સર્કલ, રામેશ્વર નગર સહિતના વિસ્તારનો વારો લેવામાં આવ્યો હતો.
લાલ બંગલા સર્કલથી લીમડા લાઈન સુધીના માર્ગે, ક્રિકેટ બંગલા આસપાસનો વિસ્તાર તેમજ લીમડાલાઈનથી ટાઉનહોલ સુધીનો વિસ્તાર વગેરે તમામ સ્થળો પર મોટાપાયે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ રામેશ્વર નગર વિસ્તારમાં પણ દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી હતી. શહેરમાં એસ્ટેટ શાખાની અલગ-અલગ ત્રણ ટુકડીઓને વહેલી સવારથી દોડતી કરાવાઈ હતી, અને એકાદ ડઝનથી વધુ રેકડીઓ પથારા તેમજ કેબીન વગેરે કબજે કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.
લીમડા લેન વિસ્તારમાં મોબાઇલના વિક્રેતા દ્વારા જાહેર રોડ પર પોતાની દુકાનની જાહેરાતનો થાંભલા ખોડીને દબાણ કરવામાં આવ્યું હતું, તે દબાણ હટાવી લઇ લોખંડના પાઇપ વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય કેટલાક દબાણો પણ હટાવાયા છે. આ કાર્યવાહીને લઈને જાહેર માર્ગો પર દબાણ કરીને ધંધો કરતા ધંધાર્થીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.