જોશીપરા અંડરબ્રિજમાં લગાવેલી ટાઈલ્સ તોડવાનું શરૂ : કોઈ સંકલન કે ઢંગધડા વગરનાં કામમાં જ અગાઉના શાસકોએ 1500 કરોડ વાપરી નાખ્યાનો વિપક્ષનો આક્ષેપ
જૂનાગઢ, : જૂનાગઢના જોશીપરા અંડરબ્રિજમાં દોઢ-બે વર્ષ પૂર્વે લાદી લગાવવામાં આવી હતી, જેમાં નરસિંહ મહેતાની પ્રતિમા પણ મુકવામાં આવી હતી પરંતુ ગટરનું પાણી આવતું હતું અને ભક્તકવિનું અપમાન થતું હતું. 40- 45 લાખ રૂપિયાના ખર્ચે આ કામ થયું હતું પરંતુ આજથી આ લાદી તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મનપા લાખના બાર નહિ પણ લાખો રૂપિયાને શૂન્ય કરી દેતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે ઉમેર્યું કે અગાઉની બોડીએ સંકલન વિના અણઘડ આયોજન કરી 1500 કરોડ આવી રીતે જ વાપરી નાખ્યા છે.
જૂનાગઢ મહાનગર વિસ્તારમાં ગમે ત્યાં પસાર થઈએ તો એકાદ સ્થળે ભાંગફોડનું કામ થતું જોવા મળી જ જાય છે. શહેરના જોશીપરા અંડરબ્રિજમાં દોઢ બે વર્ષ પૂર્વે ૪૦ લાદી લગાડવામાં આવી હતી. આ સ્થળે ભક્તકવિ નરસિંહ મહેતાની તસવીર લગાડવામાં આવી હતી. જેના માટે ૪૦-૪૫ લાખનો ખર્ચ કરવામાંઆવ્યો હતો. લાદી લગાડી ન હતી ત્યારે ગટરનું ગંદુ પાણી આવતું ન હતું પરંતુ લાદી લગાડયા બાદ આ સ્થળે ગંદુ પાણી ભરાતું હતું. જેના લીધે નરસિંહ મહેતાનું અપમાન થતું હતું. ઢંગધડા વગરના કામના કારણે લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં તેનો કોઈ અર્થ સર્યો ન હતો.
હવે આજથી મનપાએ આ લાદી તોડવાનું કામ શરૂ કર્યું છે. વિપક્ષના નેતા લલીત પણસારાએ જણાવ્યું હતું કે, મનપાના અણઘડ આયોજનના કારણે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે. મનપા ‘લાખના બાર હજાર’ નહિ પરંતુ લાખો રૂપિયાને શૂન્ય કરી રહી છે. અગાઉની બોડીના શાસકોએ આવી રીતે જ કામ કરી 1500 કરોડ સ્વાહા કરી નાખ્યા છે. પહેલા રોડ બનાવે અને તેને તોડી નાખે છે બાદમાં ફરી રોડ બનાવે છે. આ સિલસિલો બંધ થવાનું નામ લેતો નથી અને લોકોના પૈસાનું પાણી થઈ રહ્યું છે.