Uttarkashi Tragedy : ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદ અને પ્રાકૃતિક આફતના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે ‘ઑપરેશન જિંદગી’ અંતર્ગત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તરકાશી દુર્ઘટનામાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા છે. જેમાં ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલન થવાથી જનજીવન ખોરવાયુ છે. આ દરમિયાન ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, કર્ણાટક, તેલંગાણા, પંજાબ સહિતના પ્રવાસીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગોત્રી સહિતના વિસ્તારોમાંથી કુલ 274 લોકોને હર્ષિલ લવાયા કરવામાં આવ્યા છે.
141 ગુજરાતી પ્રવાસી સુરક્ષિત
ગુજરાત સરકારનો સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રુમ દ્વારા ઉત્તરાખંડ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનો સંપર્ક કરીને ફસાયેલા નાગરિકોની માહિતી મેળવી હતી. જેમાં રેસ્ક્યૂ કરાયેલાં લોકોમાં સૌથી વધુ 141 ગુજરાતના છે. જેમાં અમાવાદના સૌથી વધુ 99, બનાસકાંઠાના 10, ભાવનગરના 15 અને વડોદરાના 5 સહિત કુલ 141 ગુજરાતી પ્રવાસી સુરક્ષિત હાલતમાં છે.
સમગ્ર મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 141 પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલની ખરાબ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને રાખીને આ પ્રવાસીઓનો એરલિફ્ટ પોસિબલ ન હોવાનું ત્યાંની સરકારે જણાવ્યું છે.
તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર
તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. જેમાં જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, હરિદ્વાર ખાતે હેલ્પલાઇન નંબરોમાં 01374-222722, 7310913129, 7500737269 ટોલ ફ્રી નંબર-1077, ERSS ટોલ ફ્રી નંબર-112 છે. જ્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, દહેરાદૂન ખાતે હેલ્પલાઇન નંબરોમાં 0135-2710334, 2710335, 8218867005, 9058441404 ટોલ ફ્રી નંબર-1070. જ્યારે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કોઈ પ્રવાસી ફસાયા હોય તો જિલ્લા કલેકટર દ્વારા DEOC કંટ્રોલ રૂમના ફોન નંબર 07923256720 પર જાણ કરવા જણાવાયું છે.
અનેક મુસાફરોનું રેસ્ક્યૂ
મહારાષ્ટ્રના 123, મધ્યપ્રદેશના 21, ઉત્તર પ્રદેશના 12, રાજસ્થાનના 6, દિલ્હીના 7, આસામના 7, કર્ણાટકના 5, તેલંગાણાના 3 અને પંજાબના 1 મુસાફરનો સમાવેશ થાય છે. તમામને સુરક્ષિત રીતે દહેરાદૂન લઈ જવામાં આવશે.
આ પણ વાંચો: ઉત્તરકાશી દુર્ઘટના: 11 સૈનિકો સહિત 70 લોકો હજુ પણ ગુમ, ધરાલી જતો પ્રથમ રસ્તો ખૂલ્યો
ધરાલી સહિતના આસપાસના વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, ITBP, NDRF, સેના સહિત ઘણી એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલી છે.