રાજકોટના બુટલેટર પ્રતિક ચંદારાણા અને તેની ટોળકીનું કૃત્ય : યુવક ઉપર બોલેરો ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ ઉપાડી ગયા : ઢોરમાર મારી તેનો વીડિયો પણ ઉતાર્યો
રાજકોટ, : શહેરમાં પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેની પ્રતિતિ કરાવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. બુટલેગર પ્રતિક ચંદારાણા અને તેની ટોળકીએ માત્ર રૂા. 1000ની ઉઘરાણીના મામલે એક યુવક ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ તેનું અપહરણ કરી તેને ઢોર માર મારી તેનો વીડિયો ઉતાર્યો હતો. એટલું જ નહીં એક મહિલા સાથે પરાણે સંભોગ કરાવી તેનો પણ વીડિયો ઉતારી લીધો હતો. આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી પ્રતિક ચંદારાણા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. મહિકા મેઈન રોડ પર પીઠડઆઈ સોસાયટી શેરી નં.1માં રહેતો વિપુલ ચૌહાણ (ઉ.વ. 31) કારખાનામાં મજુરી કામ કરે છે. ગઈ તા. 4ના રોજ સાંજે તે કારખાનામાં હતો ત્યારે પ્રતિકે તેને વોટસએપ કોલ કરી કહ્યું કે બચીને રહેજે, તને ગોતીએ છીએ, હાથમાં આવ્યો તો તને જીવતો નહીં મુકું. બાદમાં ફોન કાપી નાખ્યો હતો. તે જ દિવસે રાત્રે ગોકુલ સોસાયટીના ગેટ પાસે પાન-ફાકી ખાતો હતો ત્યારે ધસી આવેલી બોલેરોએ તેને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સાઈડમાં ભાગી જતાં બચી ગયો હતો.
તે સાથે જ બોલેરોમાંથી પ્રતિક, અમિત દાઢી અને કૃણાલ ઉતર્યા હતા. તેની પાછળ એકટિવામાં જયપાલ અને અક્ષય ધોકા લઈ આવ્યા હતા. બીજા બાઈકમાં હિરેન અને સૈફ પાઈપ લઈને આવ્યા હતા. આ તમામ આરોપીઓ તેને ટીંગાટોળી કરી, બોલેરોમાં બેસાડી, જૂના માર્કેટયાર્ડમાં લઈ ગયા હતા. જયાં દોઢેક કલાક સુધી તેને મારકુટ કરી હતી. માથામાં લોખંડના પાઈપના ઘા પણ ઝીંકી દીધા હતા. જેને કારણે માથામાંથી લોહી નીકળવા લાગતાં બેભાન બની ગયો હતો.
ત્યાર પછી આરોપીઓએ ડોકટરને બોલાવી તેના માથાના ભાગે ટાંકા લેવડાવ્યા હતા. ભાનમાં આવતા ફરીથી બોલેરોમાં બેસાડી માનસરોવરના ઢાળથી આગળ નદીના કાંઠે એક કારખાનામાં લઈ ગયા હતા. જયાં ફરીથી લોખંડ અને પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર મારી તેના ખીસ્સામાંથી રૂા. 8,000 કાઢી લીધા હતા. સાથો-સાથ કહ્યું કે તારે હજુ એક લાખ રૂપિયા આપવાના છે. આ પછી તેના કપડા કઢાવી એક મહિલાને બોલાવી હતી.
જેની સાથે પરાણે સંભોગ કરાવી તેનો વીડિયો ઉતાર્યો હતો. જો રૂપિયા ન આપ તો વીડિયો વાયરલ કરી ખોટા કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી કારખાનામાં જ ગોંધી રાખ્યો હતો. પ્રતિકે તેને ધમકી આપી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ, તારા ઘરને સળગાવી નાખીશ, તારા પરિવારને પણ મારી નાખીશ.
બીજા દિવસે સવારે ભરત ભરવાડ આવ્યો હતો અને તેને ઘરે મુકી ગયો હતો. સાંજે ઉલટી થતાં ડોકટર પાસે દવા લઈ સુઈ ગયો હતો. બીજા દિવસે વહેલી સવારે ફરીથી ઉલટી થતાં સિવીલમાં દાખલ થયો હતો. વિપુલે પોલીસને જણાવ્યું કે દસેક દિવસ પહેલાં પ્રતિકે તેને કોલ કરી કહ્યું હતું કે તારી પાસેથી રૂા.1,000 લેવાના છે. જે બાબતે તેની સાથે ફોનમાં બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી આ કૃત્ય કર્યું હતું. આજી ડેમ પોલીસે ફરિયાદ નોંધી આરોપી પ્રતિક (ઉ.વ.33, રહે. માનસરોવર પાર્ક), જયપાલ રાજેશભાઈ ડેડાણીયા (ઉ.વ. 25, રહે. વેલનાથપરા, કોઠારીયા રોડ) અને અક્ષય મથુરભાઈ જમોડ (ઉ.વ. 21, રહે. વિનોદનગર શેરી નં.3, લાલ પાર્ક)ની ધરપકડ કરી બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.