મુંબઈ : અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફની અસર સંદર્ભમાં અસ્પષ્ટતા, આઈટી ક્ષેત્રમાં રોજગારમાં કાપ તથા દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પરિણામે વર્તમાન વર્ષના જુલાઈમાં દેશમાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૪.૩૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે.
ચોમાસાની સાનુકૂળ સ્થિતિને પરિણામે ટ્રેકટર્સના વેચાણમાં વૃદ્ધિ
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના ડેટા પ્રમાણે વર્તમાન વર્ષના જુલાઈમાં કુલ ૧૯.૬૦ લાખ વાહનો વેચાયા છે જે ગયા વર્ષના જુલાઈમાં ૨૦.૫૦ લાખ વેચાયા હતા.
વાહનોમાં ટુ વ્હીલર્સના વેચાણમાં ૬.૫૦ ટકા જ્યારે ઊતારૂ વાહનોના વેચાણમાં એક ટકો ઘટાડો નોંધાયો છે. સતત ત્રણ મહિના સુધી વેચાણમાં વૃદ્ધિ બાદ જુલાઈમાં ઓટો રિટેલ વેચાણ આંકમાં ઘટાડો જોવા મળ્યો છે. ટુ વ્હીલર્સનું વેચાણ ૬.૫૦ ટકા ઘટી ૧૩.૬૦ લાખ રહ્યું છે.
ખરીફ વાવણીની કામગીરી અને ભારે વરસાદને કારણે ટુ વ્હીલર્સમાં ગ્રામ્ય માગ મંદ રહી હતી. જો કે ઓગસ્ટમાં તહેવારો નિમિત્તે માગ નીકળવાની ડીલરોને અપેક્ષા હોવાનું ફાડા દ્વારા જારી નિવેદનમાં જણાવાયું હતું.
જૂનની સરખામણીએ જુલાઈમાં ઊતારૂ વાહનોના વેચાણમાં ૧૦.૩૮ ટકા વધારો થયો છે, પરંતુ વાર્ષિક ધોરણે ૦.૮૦ ટકા ઘટાડો નોંધાયો છે.
ગ્રામ્યની સરખામણીએ જુલાઈમાં ઊતારૂ વાહનોની શહેરી માગ સ્થિર રહી હતી. ચોમાસાની સાનુકૂળ સ્થિતિ અને કૃષિ સબસિડીને સમયસર છૂટી કરાતા ટ્રેકટર્સની માગમાં ૧૧ ટકા જેટલો વધારો જોવા મળ્યો હોવાનું પણ ફાડાના ડેટા જણાવે છે.