વડોદરા,૩૯.૬૪ લાખના વિદેશી દારૃની બાતમી આપનારને રૃપિયા ચૂકવવા માટે પકડાયેલા દારૃમાંથી કેટલાક દારૃનો પોલીસે જ બૂટલેગર સાથે સોદો કર્યો હતો. જેનો ભાંડો ફૂટતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.
ચાર દિવસ અગાઉ વડોદરા હાલોલ એક્સપ્રેસ હાઇવે પરથી ૩૯.૬૪ લાખના વિદેશી દારૃ ભરેલા કન્ટેનરને જરોદ પોલીસે ઝડપી પાડયું હતું. દારૃ અંગેની બાતમી આપનાર વ્યક્તિને રૃપિયા ચૂકવવા માટે જરોદના પોલીસ જવાનોએ મંજુસર અને વાઘોડિયાના બૂટલેગરો સાથે સોદો કરી દારૃ લેવા માટે જરોદ નજીકની એક હોટલમાં બોલાવ્યા હતા. આ અંગે જાણ થતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી. દારૃના કટિંગની તપાસ ડીવાય.એસ.પી.ને, ૩૯ લાખના દારૃની તપાસ એલ.સી.બી.ને તથા દારૃના નાશની જાણવા જોગ નોંધની તપાસ વાઘોડિયા પોલીસને સોંપવામાં આવી છે. આ પ્રકરણમાં જરોદ પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.નું નિવેદન લેવાયું છે. આવતીકાલે જરોદના ક્રાઇમ રાઇટર હેડ સહિત અન્ય સ્ટાફના નિવેદનો લેવામાં આવશે. આ ઉપરાંત ટોલનાકા નજીકથી ટ્રકને પરત લાવવામાં આવી હતી. તેનો વીડિયો પણ વાયરલ થતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.