Ahmedabad Liquor Crime : અમદાવાદ શહેરમાં દારૂ-જુગાર અડ્ડા બંધ હોવાના દાવા વચ્ચે શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાંથી દેશી દારૂની હેરફેર કરવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે. જેમાં પીસીબીએ શુક્રવારે દેશી દારૂની હેરફેર કરતા બુટલેગરને ઝડપી લીધા હતા. સુત્રોના જણાવ્યા મુજબ શહેર કોટડા પોલીસની હદમાં નિયમિત રીતે દારૂની હેરફેર થતી હોવાનું જાણવા મળ્યું છે.
મેમ્કો બ્રીજ નીચેથી નિયમિત રીતે સ્કૂટરમાં દારૂની હેરફેર થતી હોવાથી સ્થાનિક પોલીસ શંકાના ઘેરાવામાં આવી
પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી મેમ્કો બ્રીજ નીચે ઓમનગર ફાટક જવાના રોડ પર નરોડા પમ્પીંગની દિવાલના રોડ નજીકથી નિયમિત રીતે ટુ-વ્હીલરમાં દેશી દારૂની મોટા પ્રમાણમાં હેરફેર કરવામાં આવે છે. જેના આધારે શુક્રવારે સવારે 10 વાગે અલગ અલગ ટીમ ગોઠવીને વોચ ગોઠવી હતી. જેમાં ધ્રુવ માંછરેકર (રહે. સાઇબાબા ફ્લેટની પાછળ, છારાનગર,કુબેરનગર)ને રોકીને તેના સ્કૂટરમાં તપાસ કરતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂ સુધીરે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ સમયે જ સ્કૂટર પર જતા જીનીલ છારા (ફ્રી કોલોની, છારાનગર)ને ઝડપીને દારૂ ભરેલો કોથળો જપ્ત કર્યો હતો. જે સુધીર નામના બુટલેગરે મંગાવ્યો હતો.
આ ઉપરાંત, મેમ્કો બ્રીજ નીચે સૈજપુર ગુજરાતી શાળા નંબર 6 પાસે વધુ એક સ્કૂટરને રોકીને દેશી દારૂ ભરેલો થેલો જપ્ત કરીને વિનય ભોગેકર (ફ્રી કોલોની,છારાનગર)ને ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો પણ સુધીર તમચે નામના બુટલેગરે મંગાવ્યો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ સુધીર નામનો બુટલેગર દારૂનો જથ્થો મંગાવવા માટે યુવાનો નાણાં આપીને નિયમિત રીતે દારૂની હેરફેર કરાવતો હતો. જે દારૂ શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં લાવવામાં આવતો હતો. ત્યારે તપાસમાં સ્થાનિક પોલીસની સંડોવણી પણ બહાર આવે તેવી શક્યતા છે.