– ગેરકાયદે ખનન સમયે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
– સ્થાનિકોએ બે વ્યક્તિને બચાવી લીધા : મૃતકની લાશ બીજા દિવસે મળી : ખનન માફિયાઓએ ભોગાવો નદીમાં રસ્તો જ બનાવી દીધાની ચર્ચા
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ખમીસણા ગામની સીમમાં આવેલ શેખપર ગામ પાસે ભોગાવો નદીમાં ભૂમાફિયાઓ દ્વારા નદીમાં રસ્તો બનાવી રેતી ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે. નદીમાં રેતી ચોરી કરવા ગયેલા એક ડમ્પરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર સહિત ત્રણ વ્યક્તિઓ નદીના પાણીમાં ખાબક્યા હતા જેમાં બે વ્યક્તિને સ્થળ પર જ બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિની લાશ બીજે દિવસે સવારે કાઢવામાં આવી હતી જે અંગે જોરાવરનગર પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી છે.
મુળી તાલુકાના ખમીસણા ગામની સીમમાં શેખપર પેસ ભોગાવો નદીમાં ભૂમાફિયાઓ દ્વારા રેતી ચોરી માટે બારોબાર રસ્તો બનાવી દીધો હોવાની ચર્ચાઓએ જોર ૫કડયું છે અને દરરોજ મોટી સંખ્યામાં નદીના રસ્તા પરથી ડમ્પરો મારફતે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે. દરમ્યાન ગત તા.૦૪ એપ્રિલને સાંજના સમયે શેખપર ગામ પાસેની ભોગાવો નદીમાં રેતીનું ખનન કરવા જઈ રહેલા ડમ્પરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર અને ચાલક સહિત ત્રણ વ્યક્તિઓ નદીના પાણીમાં ગરકાવ થયા હતા.
બનાવની જાણ આસપાસના લોકો સહિત અન્ય ડમ્પર ચાલકોને થતાં સ્થળ પરથી જ બે વ્યક્તિને બચાવી લીધા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડમ્પરમાં સવાર રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ (રહે.તળાજા તાલુકો) ડુબી જતા પાલિકાની ફાયર ફાયટર ટીમ તેમજ તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. બીજે દિવસે સવારે યુવકની લાશને ભારે જહેમત બાદ ભોગાવો નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે મોકલવામાં આવી હતી. આ બનાવને પગલે જોરાવરનગર પોલીસ કાફલો સહિતની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને ફરિયાદની તજવીજ હાથધરી છે.
ખમીસણા ગામની સીમમાં શેખપર પાસે ભોગાવો નદીમાં ભૂમાફિયાઓ દ્વારા રેતીચોરી માટે રસ્તો બનાવી દીધો હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે જો કે રસ્તો કાયદેસર છે કે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો છે તે વધુ તપાસ બાદ જ માલુમ પડશે અને આ મામલે અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે.
ખાણ ખનીજ વિભાગની ટીમે તપાસ હાથ ધરી
શેખપર પાસે ભોગાવો નદીમાં રેતીનું ખનન માટે ગયેલ ડમ્પરમાં સવાર એક વ્યક્તિના મોતનો બનાવ બન્યા બાદ સાંજના સમયે ખાણ ખનીજ વિભાગના અધિકારી સહિતની ટીમે સ્થળ પર મુલાકાત લીધી હતી અને મોતના બનાવ સહિત નદીમાં બનેલ રસ્તા અંગે પણ તપાસ હાથધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જે રસ્તા પરથી ડમ્પર ખાબક્યું હતું તે લીઝ કાયદેસરની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.