વડોદરાઃ કરોડો લોકોના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના પ્રાગટય દિવસ રામ નવમીની આજે શહેરમાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ હતી.વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આજે રામ નવમી નિમિત્તે ૩૧ જેટલી શોભાયાત્રાઓ નીકળી હતી.
રામ નવમીના પવિત્ર દિવસે શહેરના મદનઝાંપા રોડ પર આવેલા રામજી મંદિર સહિતના અન્ય મંદિરોમાં આજે સવારથી દર્શન કરવા માટે ભાવિકોની ભીડ જામી હતી.આકરી ગરમી પણ લોકોની શ્રધ્ધાને ડગાવી શકી નહોતી.પ્રભુ શ્રી રામના જયજયકાર વચ્ચે મંદિરોમાં આરતી, અનુષ્ઠાન, યજ્ઞા, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ શહેરના ફતેગંજ, સમા, કારેલીબાગ, હરણી, ફતેપુરા, ચાર દરવાજા વિસ્તાર, માંજલપુર, વાડી જેવા વિવિધ વિસ્તારોમાં નાની મોટી ૩૧ શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.બે વર્ષ પહેલા કુંભારવાડાથી નીકળેલી શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાના કારણે પોલીસે આ શોભાયાત્રાના રુટ પર જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.આ શોભાયાત્રા આજે કુંભારવાડાથી નીકળીને યાકુતપુરા, ચાંપાનેર દરવાજા, એમજી રોડ, લહેરીપુરા દરવાજા થઈને ન્યાયમંદિરના હઠીલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.સમગ્ર રુટ પર પોલીસે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરીને સેંકડો જવાનોને ખડકી દીધા હતા.ડ્રોન અને બોડીવોર્ન કેમેરા થકી નજર રાખવામાં આવી હતી.આ શોભાયાત્રા બપોરે ચાર વાગ્યે નીકળી હતી અને સાંજે ૬ વાગ્યે પૂર્ણ થઈ હતી.અન્ય વિસ્તારોમાં પણ શોભાયાત્રાઓ નીકળી હતી.હજારો શ્રધ્ધાળુઓ તેમાં જોડાયા હતા અને શહેરના રસ્તાઓ પર કેસરિયો માહોલ છવાયો હતો.શોભાયાત્રાઓના પગલે સંખ્યાબંધ રોડ બંધ કરીને કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.એકંદરે શાંતિપૂર્ણ રીતે રામનવમીના પર્વની ઉજવણી થતા પોલીસ અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.