વડોદરા, તા.10 વડોદરા શહેર અને જિલ્લામાં રેશનકાર્ડ દ્વારા અનાજ મેળવતા દોઢ લાખ લાભાર્થીઓનો અનાજનો પુરવઠો આગામી દિવસોમાં મળતો બંધ થઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ લાભાર્થીઓએ ઇ કેવાયસી હજી સુધી કરાવ્યું નહી હોવાથી રેશનકાર્ડ રદ પણ થઇ શકે છે.
વડોદરા શહેર અને જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યુરિટિ એક્ટ (એનએફએસએ) મુજબ સસ્તા ભાવનું સરકારી અનાજ મેળવતા કુલ ૨.૫૦ લાખ રેશનકાર્ડ છે. આ રેશનકાર્ડ દ્વારા કુલ ૧૨ લાખ લાભાર્થીઓને દર મહિને સરકાર દ્વારા નિશ્ચિત કરેલ અનાજનો લાભ મળી રહ્યો છે. પરંતુ એનએફએસએમાં અનેક લોકો એવા છે જેઓ સરકારી સસ્તુ અનાજ મેળવવાને પાત્ર નહી હોવા છતાં અનાજ મેળવી રહ્યા છે જેથી રેશનકાર્ડ ધારકોનું ઇ કેવાયસી કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેર અને જિલ્લામાં કુલ અઢી લાખ રેશનકાર્ડ પૈકી હજી પણ ૫૦૦૦ જેટલા રેશનકાર્ડના ઇ કેવાયસી થયા નથી એટલે કે આ રેશનકાર્ડ સાથે સંકળાયેલા આશરે દોઢ લાખ લાભાર્થીઓનું ઇ કેવાયસી બાકી છે. આ લાભાર્થીઓ અથવા રેશનકાર્ડ સામે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પહેલાં દરેક રેશનકાર્ડના લાભાર્થીઓને તક આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લાના ઝોનલ ઓફિસરો દ્વારા દરેક રેશનકાર્ડ ધારકને નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે અને ઇ કેવાયસી કરાવી જવા જણાવાયું છે.
ઇ કેવાયસી કરાવવા માટે દરેક રેશનકાર્ડ ધારકને એક સપ્તાહથી માંડી બે સપ્તાહ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં ઇ કેવાયસી નહી કરાવવામાં આવે તો રેશનકાર્ડ બંધ થઇ જશે અને લાભાર્થીઓને મળતું અનાજ પણ મળતું બંધ કરી દેવાશે. દોઢ લાખ રેશનકાર્ડ ધારકો પર અનાજ નહી મળવાનું જોખમ લટકી રહ્યું છે.