વડોદરા, તા.7 વડોદરા નજીક આવેલા અણખોલ ગામના તત્કાલીન તલાટી કમ મંત્રી તેમજ મહિલા સરપંચ દ્વારા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર આચરીને રૃા.૧.૬૨ કરોડ જેટલી રકમ ઘરભેગી કરી દીધી હોવાની ફરિયાદ નોધાઇ છે.
વડોદરા તાલુકા પંચાયતના હાલના ટીડીઓ વિકાસ સુખદેવ પ્રજાપતિએ તત્કાલીન તલાટી દિગ્વિજયસિંહ ગંભીરસિંહ ઝાલા (રહે.સિલ્વર સ્કાય એપાર્ટમેન્ટ, હરણી-સમા લિંકરોડ, મૂળ ગીરીવિહાર સોસાયટી, દેખળ ભગતની વાવ પાસે, સુરેન્દ્રનગર) અને સરપંચ તરલીકાબેન જિતેન્દ્રભાઇ પટેલ (રહે.અણખોલ) સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યું છે કે અણખોલ ગામના ચાર નાગરિકો દ્વારા તારીખ વગરની અરજી બાદ ડીડીઓ દ્વારા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર અને જિલ્લા શિક્ષણ સમિતિના હિસાબી અધિકારીની સંયુક્ત તપાસ કમિટિ બનાવી પ્રાથમિક તપાસ કરાવ્યા બાદ તેનો વિગતવાર અહેવાલ તા.૧૮ જુલાઇ ૨૦૨૩ના રોજ ડીડીઓને સુપરત કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં પ્રથમ દ્રષ્ટિએ સેલ્ફ તેમજ બેરર ચેકો લખી વાઉચર વગર રોજમેળમાં ખોટી રીતે ખર્ચ કરી નાણાંકીય હયગય તેમજ ઉચાપત કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયતના અલગ અલગ બેંક ખાતામાંથી તલાટી અને સરપંચ બંનેએ તા.૧ મે ૨૦૧૮થી તા.૨૧ મે ૨૦૨૨ સુધી સેલ્ફ અથવા બેરર ચેકથી રકમ ઉપાડી તે રકમ અંગત ખર્ચ પેટે ઉપયોગ કરી હોવાનું જણાય છે. કુલ રૃા.૧.૬૨ કરોડની ઉચાપત બહાર આવતાં જ તલાટીને હાલ વાઘોડિયા તાલુકા પંચાયતમાં લીવ રિઝર્વ તરીકે મૂકી દેવાયા છે. ઉપરોક્ત ફરિયાદ અંગે પોલીસે જણાવ્યું હતું કે ટીડીઓની ફરિયાદ બાદ પુરાવા એકત્ર કરી નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તલાટીએ સરપંચની બોગસ સહી કરી બેંકમાંથી રૃા.૧.૨૦ કરોડ ઉપાડયા
અણખોલ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારની તપાસ કરતી કમિટિ સમક્ષ એવી વિગતો પણ બહાર આવી હતી કે તલાટી ડી.બી. ઝાલાએ માંજલપુર ખાતે અક્સિસ બેંકના એકાઉન્ટમાંથી સરપંચની જાણ બહાર બનાવટી સહિઓ કરી પોતાના અંગત કિરણ પરમાર, હરેશ બારીયા, મિતેશ પરમાર અને ભરત વણઝારા દ્વારા બેરર ચેકથી રૃા.૧.૨૦ કરોડ ઉપાડી આ રકમ પોતે જ ઉપયોગમાં લીધી હતી. આ અંગે અગાઉ નોટરી રૃબરુ કબૂલાતનામું કર્યુ હતું પરંતુ બાદમાં તેમણે ઇન્કાર કર્યો હતો જેથી તે અંગે ખુલાસો કરવા મુદત આપવામાં આવી છતાં તેઓ ખુલાસો કરી શક્યા ન હતાં.
પંચાયતની રોકડ આવક ખિસ્સામાં નાંખી બેંકમાં જમા ના કરાવી
અણખોલ ગામના તલાટી અને સરપંચ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી હતી કે તા.૧ એપ્રિલ ૨૦૨૨થી તા.૨૨ મે ૨૦૨૨ સુધી ગ્રામ પંચાયતમાં થયેલી આવક-જાવકની નાણાંકિય લેવડદેવદડ અંગે તલાટીએ કોઇ રોજમેળ લખ્યો ન હતો એટલું જ નહી પરંતુ ગ્રામ પંચાયતમાં કરવેરા તેમજ અન્ય આવક પેટે રૃા.૭૬ હજારથી વધુ રકમ રોકડ મળી હતી તે રકમ બેંકમાં જમા કરાવી ન હતી.
ઝાલાની બદલી છતાં રેકર્ડ નવા તલાટીને સોંપ્યો ન હતો
વડોદરા તાલુકાના અણખોલ ગામના તલાટી ડી.જી. ઝાલાની અણખોલ ગામમાંથી બદલી થતાં તેમના સ્થાને બી.કે. પ્રજાપતિને મૂકવામાં આવ્યા હતાં પરંતુ બદલી થયેલા તલાટી ઝાલાએ રેકર્ડનો હવાલો સોંપ્યો ન હતો જેના પગલે તા.૨ ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ તલાટી ઝાલાને કારણદર્શક સૂચના આપ્યા બાદ રેકર્ડની સોંપણી કરી હતી.