Vadodara : હરણી-વારસિયા રીંગરોડ પર એસઆર પેટ્રોલ પંપ પાસે ડીપી બોક્સ નજીક આકસ્મિક કરંટ લાગતા કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા 30 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. માત્ર દોઢ વર્ષની દીકરીના પિતાને સચિન પઢીયારને આપવામાં આવેલા આઈકાર્ડમાં નોકરી જોઈન્ટ બાબતે કોઈ તારીખ લખવામાં આવી નથી.
બનાવની વિગત એવી છે કે, સમા જલારામ મંદિર પાછળ, મુખી ફળિયામાં રહેતા સચિન અરવિંદભાઈ પઢીયાર (૩૦) વીજ કંપનીમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ બેજ પર નોકરી કરતા હતા. આજે સવારે હરણી વારસીયા રીંગરોડ પર એસ આર પેટ્રોલ પંપ પાસે ડીપી બોક્સની કામગીરી અંગે ગયા હતા. દરમિયાન એકાએક વિજ કરંટ લાગવાથી તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા સમા વિસ્તારમાં શોકનું વાતાવરણ વાપી ગયું હતું.
મૃતક સચિનભાઈના પરિવારમાં માતા પિતા સહિત દોઢ વર્ષની બાળકી અને પત્ની સંયુક્ત પરિવારમાં રહે છે. જ્યારે બીજી બાજુ ઘટના બાબતે સ્થાનિકોએ વીજ નિગમ કોન્ટ્રાક્ટર સાથે ફોન પર વાત કરી હતી. જેથી અમદાવાદથી આવતા ઘણો સમય જશે તેમ તેમણે જણાવ્યું હતું.
વોર્ડ નં.4ની વીજ નિગમ કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર વર્ષોથી નોકરી કરતા સચિનભાઈને આપવામાં આવેલા કાર્ડમાં નોકરી જોઈન્ટ કર્યા અંગે કોઈ તારીખ લખવામાં આવી નથી. વળતર બાબતે સ્થાનિક અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. અગાઉ પદમલા ગામે રહેતા મૃતક સચિનભાઈ વર્ષોથી સમા ખાતે રહે છે અને પત્ની નીતાબેન મૂળ પીલોલ ગામના છે. સ્થાનિક વીજ કંપની અધિકારીઓ વળતર બાબતે ગોળગોળ જવાબ આપી જવાબદારી લેવા તૈયાર નથી જ્યારે કોન્ટ્રાક્ટરે ફોન પર જણાવ્યું હતું કે મને વડોદરા આવતા ઘણો સમય વ્યતીત થશે, તેમ મૃતકના સ્નેહીએ ઉપરની સમગ્ર હકીકત અંગે જણાવ્યું હતું.