Navratri 2025: અમદાવાદ શહેરની નવરાત્રિ સામાન્ય શહેરીજનો માટે જાણે કે લૂંટ રાત્રિ બની ગઈ હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. શહેરના એસપી રિંગ રોડ આસપાસ સંખ્યાબંધ ખાનગી પાર્ટી પ્લોટમાં નવરાત્રિના આયોજનો કરાયા છે. જ્યાં ખુલ્લા પ્લોટમાં કોઈ સલામતી વગર ટુ વ્હીલર પાર્કિંગ માટે 100 રૂપિયા અને કાર પાર્કિંગ માટે 200 રૂપિયા સુધીની ઉઘાડી લૂંટ ચાલી રહી છે.
ઉઘાડી લૂંટ તંત્ર રોકી શકતી નથી
બીજી તરફ કાળા કાચવાળી કાર સામે કડક પગલાં લેવાની પોલીસે હાંકેલી ગુલબાંગોનું પણ સૂરસૂરિયું થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં એક દિવસની એક વ્યક્તિની ટિકિટ માટે 1000થી 2500 રૂપિયા સુધીની તોતિંગ ફી વસૂલવામાં આવી રહી છે. આવડી મોટી ફી ચૂકવ્યા બાદ પીવાના પાણીની વ્યવસ્થા પણ મોટાભાગના પાર્ટી પ્લોટમાં નથી. ઘરેથી લાવેલી પાણીની બોટલ અંદર લઈ જવા દેવામાં આવતી નથી. પરિણામે બે-અઢી કલાક રાસ રમીને તરસ્યા થયેલા ખેલૈયાઓએ 20 રૂપિયાની પાણીની બોટલ માટે 50 રૂપિયાથી પણ વધારે રકમ ચૂકવવી પડે છે. બહાર બજારમાં 30-40 રૂપિયામાં મળતી નાસ્તાની પ્લેટના 100થી 150 સુધીની અધધ રકમ વસૂલાઈ રહી છે. આ ઉઘાડી લૂંટ રોકવામાં એક પણ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા નથી.
આ પણ વાંચો: પોળના ઐતિહાસિક શેરી ગરબા પરંપરાની સરકાર દ્વારા પણ ઉપેક્ષા, જાણો શું કરાઈ માગ
નવરાત્રિ પૂર્વે કાળા કાચવાળા વાહનો અને રાત્રે 12 વાગ્યા પછી ઊંચા અવાજે વાગતા લાઉડ સ્પીકર બાબતે હાઈકોર્ટે પોલીસ અને સરકારને ટકોર કરી હતી. પોલીસે પણ કડક પગલાં લેવાની ગુલબાંગો હાંકી હતી. હાલ અમદાવાદના માર્ગો પર રાત્રે દર 10 કારમાંથી બે કારના કાચ કાળા જોવા મળી રહ્યા છે. પરંતુ પોલીસે એક પણ કારના કાળા કાચ ઉતરાવ્યા નથી. એટલે કે કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તેવા પગલાં લેવાની દાનતનો સ્પષ્ટ અભાવ વર્તાઈ રહ્યો છે.