Bopal Basera Party Plot Garba: બોપલમાં વકીલ સાહેબ બ્રીજ પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનમાં ટિકિટ વિના પ્રયાસ કરી રહેલા લોકોને રોકતા આયોજક અને સુરક્ષાકર્મીઓ પર હુમલો થયો હતો. આ લુખ્ખા તત્ત્વોએ ગરબા બંધ કરાવ્યા હતા. માથાભારે તત્વોએ હુમલો કરતા સરખેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
વિરમગામના સચાણામાં રહેતા હિતેશસિંહ રાજપુતે નોંધાવેલી ફરિયાદના આધારે, તેમના પિતરાઇ ભાઇ કુલદીપસિંહે બોપલ વકીલ સાહેબ બ્રીજ પાસે આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કર્યું છે. શુક્રવારે રાતના હિતેશસિંહ પાર્ટી પ્લોટમાં ગરબા રમીને પરત જતા હતા ત્યારે કેટલાંક લોકો પાર્ટી પ્લોટની પાળી કુદીને અંદર આવવા માટે પ્રયાસ કરતા હોવાથી તેમને રોક્યા હતા.
આ પણ વાંચોઃ પોળના ઐતિહાસિક શેરી ગરબા પરંપરાની સરકાર દ્વારા પણ ઉપેક્ષા, જાણો શું કરાઈ માગ
અંદર આવતાં રોકતાં બળજબરી કરી
પ્લોટની પાળીને કુદીને પ્લોટમાં જવાનો પ્રયાસ કરી રહેલા સુરજ ભરવાડ, ધીરેન ભરવાડ, પ્રથમ ભરવાડ, અજય ભરવાડ અને મેહુલ ભરવાડ તેમજ અન્ય લોકો પ્લોટના કાઉન્ટર પર આવ્યા હતા. તેમણે બળજબરીથી પાર્ટી પ્લોટમાં જવાનો પ્રયાસ કરતા ફરીથી તેમને રોકવામાં આવ્યા હતા. જેથી તેમણે હેબતપુરથી અન્ય 20 જેટલા લોકોનું ટોળુ બોલાવ્યું હતું અને તમામ લોકો દાદાગીરી કરી પાર્ટી પ્લોટમાં પ્રવેશ કર્યો હતો.
1 પર જીવલેણ હુમલો, બેને ઈજા
આ ટોળાએ ચાલુ ગરબા બંધ કરાવતા ખૈલૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. સાથે-સાથે લોકોએ પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી હતી. આ સમયે ભરવાડ હિતેશસિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ મારામારીમાં અન્ય બે લોકોને ઇજા પણ પહોંચી હતી. આ અંગે સરખેજ પોલીસે હત્યાની પ્રયાસનો ગુનો નોંધીને સુરજ ભરવાડ સહિત પાંચ લોકોની ધરપકડ કરીને અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે.