સુરેન્દ્રનગરમાં મધરાતે મકાનમાં આગ
ફાયર વિભાગની ટીમે બે કલાકમાં કાબૂમાં લીધી, ફર્નિચર સહિત ઘરવખરીનો સામાન બળીને ખાખ
સુરેન્દ્રનગર – ઘરવખરીસહિતનો સામાન બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું.
સુરેન્દ્રનગરના ટાંકી ચોક પાસે અગરબત્તીવાળી ગલીમાં ફજાનાબેન મનસુરીના રહેણાંક મકાનમાં મધરાતે આગ લાગવાની ઘટના બની હતી. રાત્રે ૧૨ઃ૨૫ કલાકે અચાનક લાગેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ સુરેન્દ્રનગર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગમાં મકાનની મોટાભાગની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. જોકે, રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.