યૂપીમાં લગ્ન સમારોહમાં જૂતા ચોરવાની રસમમાં ધમાલ
જૂતાના બદલામાં કન્યા પક્ષે રૂ.50 હજાર માગ્યા, વરરાજા રૂ.પાંચ હજાર જ આપવા તૈયાર થતા સમારોહ સમરાંગણ બન્યો
બિજનોર (યૂપી): લગ્નના રીવાજોમાં થોડી મજાક મશ્કરી ચાલે છે પરંતુ યૂપીના બીજનોરમાં જૂતા ચોરવાની રસમમાં એવી બબાલ ઉભી થઇ કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો હતો.વરરાજાની સાળીએ જૂતાના બદલે રુપિયા માંગ્યા તો દુલ્હે રાજાએ સાવ સસ્તામાં જૂતા પરત આપવાની વાત કરતાં માંડવા વાળાએ દુલ્હે રાજાને ભીખારી જેવો છે તેવુ બોલતાં રીવાજની મજાક મસ્તી લાઠી અને ડંડાની મારામારી સુધી પહોચી હતી. આખરે પોલીસે બન્ને પક્ષને સમજાવ્યા અને સૂલેહ કરાવી હતી.
દેહરાદુનના ચકરોતાથી મોહમ્મદ સાબિરની જાન બિજનોરના ગઢમલપુર પહોચી હતી. નાચ ગાન જાનનું સ્વાગત બધુ બરાબર ચાલ્યુ હતું. જૂતા ચોરવાની રસમમા સાળીની ટીમે વરરાજાના જૂતા ચોરી લીધા બાદ પરત આપવા ૫૦,૦૦૦ માંગ્યા હતાં. વરરાજા અને તેના મિત્રો ૫,૦૦૦માં મામલો નિપટાવવા અડગ રહેતાં માંડવિયા માંથી કોઇએ વર પક્ષને ભીખારી જેવા છે તેવું કહેતાં મામલો વણસ્યો હતો.
વરરાજાના પક્ષના લોકોએ અમારે શું બેટીને બદલે પૈસા જોઇએ છે તેવું માનો છો તેમ કહેતાં વાત મારપીટ સુધી પહોચી ગઇ હતી. કન્યા પક્ષના લોકોએ જાનૈયાઓને રુમમાં પૂરી દીધા હતાં.કોઇએ વીડિયો બનાવીને સમગ્ર હકિકત વાઇરલ કરતાં હોબાળો મચી ગયો હતો.
વરરાજા નારાજ થઇ ગયા અને દુલ્હનને સાથે લઇ જવાનો ઇન્કાર કરી દીધો હતો. કન્યા પક્ષ વાળાએ ગુંડાઓ એકત્રીત કર્યા હતાં તેઓએ વરરાજાના પિતાજી, દાદાજી, હાજી જી, ભાઇ તેમજ જીજાજીની ધોલાઇ કરી હતી. કોઇ શાણાએ પોલીસને ફોન કરતાં પોલીસની ટીમ સમારોહના સ્થળે પહોચીને જાનૈયાઓને છોડાવ્યાં હતાં આ મામલો એટલો ગરમ થયો હતો કે જાનૈયા અને માંડવા પક્ષના લોકો પોલીસ સ્ટેશન પહોચ્યાં હતાં.
પોલીસ સ્ટેશનના ઓફિસરે બન્ને પક્ષકારોની વાત સાંભળીને બન્ને પક્ષને શાંત પાડયા હતાં. તેઓએ વાતનું વતેસરની હઠ લઇને બેઠેલા વચેટીયાઓને સામાજીક જવાબદારી અને વર- કન્યાના ભવિષ્યની દુહાઇ આપીને સમાધાન કરાવતા જાનૈયાઓ કન્યાને લઇને વિદાય થયા હતાં.