Heavy Rain: રાજ્યમાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક સ્થળોએ કડાકા- ભડાકા સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. તો અહીં વડોદરા શહેરના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદે વિનાશ વેર્યો છે. જેના કારણે ગઈકાલે નવરાત્રિ કાર્યક્રમમાં પણ વિઘ્ન આવ્યું હતું. ભારે વરસાદ અને વીજળી પડવાથી વડોદરા અને દાહોજ જિલ્લામાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જેમાં વડોદરાના વાઘોડિયા અને દાહોદના ધાનપુરમાં વીજળી પડવાથી બે મહિલાઓના મોત નીપજ્યાં છે. પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
વાઘોડિયામાં મહિલાનું મોત
વડોદરા જિલ્લાના વાઘોડિયાના ખંધા રોડ પાસે જીઆઈડીસી વિસ્તારની સીમમાં રહેતા રમીલાબેન રાયસીંગભાઈ સોલંકી તેમના પશુ ચરાવવા માટે ગયા હતા. જ્યારે સાંજે પશુ લઈને ઘર ન ફરતાં પરિવારે શોધખોળ આદરી હતી. ગ્રામજનો અને પરિવારે શોધખોળ કરતાં રમીલાબેનનો મૃતદેહ જીઆઇડીસી હદ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ઘટના સ્થળેથી તેમની છત્રી અને મોબાઇલ નુક્સાનમાં હાલતમાં મળી આવ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટના જસદણ નજીક હિટ એન્ડ રનની ઘટના, બે મહિલાઓના મોત, 13 ઇજાગ્રસ્ત
વીજળી પડતા દાહોદની મહિલાનું મોત
બીજી અન્ય એક ઘટના દાહોદ જિલ્લામાં બની હતી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે ચંદુબેન સેનાભાઇ ગણાવા ખેતરમાં ચારો કાપી રહ્યા હતા તે દરમિયાન અચાનક આકાશી વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી ઘટના અંગે ગામલોકોએ તાત્કાલિક મામલતદાર, તલાટી તેમજ પોલીસને જાણ કરી હતી. અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનપુર પીએચસી ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.