Jamnagar Fraud Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત ભાઈઓની ખેતીની જમીન કે જેના વેચાણ દસ્તાવેજ કર્યા બાદ તે જમીનની રકમ પૈકીની 1 કરોડ 35 લાખની રકમ ખેડૂત ભાઈઓને નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જેતપુર અને રાજકોટના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે હાલ રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતા અને કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં ખેતીની જમીન ધરાવતા વાલજીભાઈ નાગજીભાઈ ખૂંટ નામના પટેલ ખાતેદાર ખેડૂતે પોતાની તેમજ પોતાના ભાઈની જમીનના વેચાણના રૂપિયા 1 કરોડ 35 લાખ પોતાને નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જેતપુરના વતની ગોપાલ પુનાભાઈ કોટડીયા અને રાજકોટના મોહનભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત અને તેના ભાઈની નાના વડાળા ગામમાં ખેતીની જમીન આવેલી છે, જેના વેચાણના સાટાખત પેટે બંને આરોપીઓએ વેચાણની રકમ આપવાની હતી, જેમાં ફરિયાદીની રકમમાંથી 65 લાખ જ્યારે તેના ભાઈની જમીનમાંથી 70 લાખ મળી, 1 કરોડ 35 લાખ રૂપિયા જમા નહીં કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવી હોવાથી આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.