અમદાવાદ,બુધવાર, 13 ઓગસ્ટ,2025
અમદાવાદમાં કોલેરા,કમળા
ઉપરાંત ઝાડા ઉલટી જેવા પાણીજન્ય રોગના કેસમાં સતત વધારો જોવા મળી રહયો
છે.વર્ષ-૨૦૨૪માં શહેરમાં કોલેરાના ૨૦૫ કેસ નોંધાયા હતા. આ વર્ષે અત્યારસુધીમાં
કોલેરાના ૯૪ કેસ નોંધાઈ ગયા છે. હેલ્થ અને
ઈજનેર વિભાગના અધિકારીઓને રોગચાળો ડામવા સંયુકત કામગીરી કરવાની હોય છે. આમ છતાં
બંને વિભાગના અધિકારીઓ એક બીજા ઉપર ખો આપતા હોવાથી કમિશનર અકળાયા હતા. તેમણે
સાગમટે મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારવા આદેશ કર્યો છે.
આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં શહેરમાં ઝાડા ઉલટીના
૪૮૮૪ કેસ નોંધાયા છે.ટાઈફોઈડના ૨૯૧૩ કેસ જયારે કમળાના ૧૯૫૪ કેસ નોંધાયા છે.પાણીના
લેવામા આવેલા સેમ્પલ પૈકી ૭૦૬ સેમ્પલમાં
કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.જયારે ૩૮૭ પાણીના સેમ્પલ ટેસ્ટ પછી પીવા યોગ્ય જણાયા
નહોતા.પાણીજન્ય રોગના કેસ વધવા પાછળ કલોરીનનો અભાવ હોવાનુ કારણ આગળ કરાતા
મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિવિધ વિસ્તારમાં વોર્ડ કક્ષાએ ફરજ બજાવતા આસિસ્ટન્ટ
ઈજનેર, આસિસ્ટન્ટ
સિટી ઈજનેર કક્ષાના અધિકારીઓને શોકોઝ આપવા આદેશ કર્યો છે.બુધવારે મ્યુનિસિપલ
કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામા
કોર્પોરેશનના વિવિધ વિભાગના ઉપરી અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં પણ
તેમણે શહેરના પૂર્વ વિસ્તારોમાં પાણીમા પોલ્યુશન આવવા અંગે સતત વધી રહેલી
ફરિયાદોને લઈ અધિકારીઓની નિષ્ક્રીયતાને લઈ નારાજગી વ્યકત કરી હતી. વોટર રિસોર્સ
વિભાગ અને હેલ્થ વિભાગના અધિકારીઓને પાણીજન્ય રોગના કેસ વધતા અટકાવવા કડક તાકીદ
કરી હતી.શહેરમાં આવેલી ખાનગી સોસાયટીઓ કે જયાં બોરથી પાણી અપાય છે તેવી સોસાયટીઓમા
પણ કમિશનરે કલોરીનેશનની સુવિધા પુરી પાડવા ઈજનેર વિભાગને સુચના આપી હતી.