અમદાવાદ : જાહેર ક્ષેત્રની બેંકોના નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં ૧૦.૬ ટકાનો વધારો થયો છે. ટ્રેઝરી ગેઇન, ફી, કમિશન અને વસૂલાતમાં મોટો વધારાની સાથે બેડ લોન માટે જોગવાઈઓમાં ઘટાડાથી ચોખ્ખી વ્યાજ આવક અને માજનમાં પણ મદદ મળી છે અને સરકારી બેંકોની નફાકારકતા વધી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના એપ્રિલ-જૂનના પહેલા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂ. ૪૪,૨૧૮ કરોડ રહ્યો, જે એક વર્ષ પહેલા રૂ. ૩૯,૯૭૪ કરોડ હતો. જોકે બીએસ રિસર્ચ બ્યુરો દ્વારા ૧૨ લિસ્ટેડ જાહેર ક્ષેત્રની બેંકોના ડેટા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરના રૂ. ૪૮,૩૭૦ કરોડના સાપેક્ષે ચોખ્ખો નફામાં ૮.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.
રાજ્યની માલિકીની બેંકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત – નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ એટલે કે ચોખ્ખી વ્યાજ આવક (એનઆઈઆઈ) વાર્ષિક ધોરણે ૦.૨ ટકા પર સ્થિર રહી અને નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં રૂ. ૧.૦૬ લાખ કરોડ રહી હતી. ત્રિમાસિક ધોરણે ચોથા ક્વાર્ટરની રૂ. ૧.૦૯ લાખ કરોડની એનઆઈઆઈથી ૩.૨ ટકા ઘટી છે. બેંકરોએ જણાવ્યું હતું કે પોલિસી રેટમાં ઘટાડા અને ખાસ કરીને રિટેલ લોનમાં લાભ ગ્રાહકોને આપવાથી બેંકોના એનઆઈઆઈ પર દબાણ આવ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે જાહેર ક્ષેત્રની બેંકોની રૂપિયાની બાકી લોન પર ભારિત સરેરાશ ધિરાણ દર એટલે કે વ્યાજદર જૂન ૨૦૨૪ના ૯.૨૧ ટકાથી ઘટીને માર્ચમાં ૯.૦૯ ટકા અને જૂન, ૨૦૨૫માં ૮.૭૬ ટકા થયો છે.
જાહેર ક્ષેત્રની બેંકોની અન્ય આવક વાર્ષિક ધોરણે ૪૨.૪ ટકા વધીને રૂ. ૪૮,૯૯૬ કરોડ થઈ છે. જોકે માર્ચ ૨૦૨૫ના કવાર્ટરમાં રૂ. ૫૮,૧૮૬ કરોડની સરખામણીમાં ૧૫.૮ ટકા ઓછી હતી.