Supreme Court On Jammu And Kashmir Statehood: સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા મામલે સુનાવણી હાથ ધરતાં મહત્ત્વનુं સૂચન કર્યું હતું. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, ‘તમારે જમ્મુ-કાશ્મીરની વાસ્તવિક્તાઓને પણ ધ્યાનમાં લેવી પડશે, પહલગામમાં જે બન્યું છે તેને તમે અવગણી શકો નહીં.’ સુપ્રીમ કોર્ટે પ્રોફેસર ઝહૂર અહમદ ભાટ અને કાર્યકર ખુર્શીદ અહમદ મલિક દ્વારા દાખલ અરજી પર સુનાવણી શરૂ કરી છે. આ અરજીમાં દલીલ કરાઈ છે કે, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો સતત ઈનકાર નાગરિકોના અધિકારો પર નકારાત્મક અસર કરી રહ્યો છે.
કેન્દ્ર સરકારે આપી સ્પષ્ટતા
અરજદારોની દલીલ પર કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, ચૂંટણીઓ બાદ અમે રાજ્યનો દરજ્જો આપવાની ખાતરી આપી હતી. આપણા દેશના આ હિસ્સાની એક વિચિત્ર સમસ્યા છે. મને ખબર નથી પડતી કે, આ મુદ્દો કેમ આટલો બધો ચર્ચાઈ રહ્યો છે. હું હજુ પણ સૂચનાઓ માંગીશ.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ડિમોલિશન કરવા પહોંચેલી AMCની ટીમ પર પથ્થરમારો, મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ
અરજદારોએ કરી હતી આ દલીલ
અરજદારોએ દલીલ કરી હતી કે, રાજ્યનો દરજ્જો પાછો મેળવતાં પહેલા વિધાનસભાની ચૂંટણીઓનું આયોજન સંઘવાદના સિદ્ધાંતનું ઉલ્લંન ગણાશે. જે બંધારણના મૂળભૂત માળખાનું મુખ્ય તત્વ છે. ગયા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન આ અરજી રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યું હતું. એક જમ્મુ-કાશ્મીર અને બીજુ લદ્દાખ. સરકાર અને ટોચના મંત્રીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપીશું. સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને J&Kનો રાજ્યનો દરજ્જો ઝડપથી પુનઃસ્થાપિત કરવા કહ્યું છે.
પહલગામમાં હુમલાની લીધી નોંધ
સુપ્રીમ કોર્ટનું અવલોકન એવા સમયે આવ્યું છે જ્યારે 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે, આ હુમલામાં આતંકવાદીઓએ 25 હિન્દુ પ્રવાસીઓને ઠાર કર્યા હતા. હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનના પંજાબમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો, ઈસ્લામાબાદના ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરી પાકિસ્તાની હવાઈ મથકો પર વળતો પ્રહાર કર્યો હતો.